બારડોલી: (Bardoli) બારડોલીના અસ્તાન રોડ પર આવેલી લિમ્બર શોપિંગ સેન્ટરના ફ્લેટ નં.503માં રહેતા શખ્સે નશાની હાલતમાં પત્ની (Wife) સાથે ઝઘડો (Quarrel) કરી માર માર્યા બાદ બચાવવા વચ્ચે પડેલી પુત્રીને બચકું ભરતાં મામલો પોલીસમથકમાં પહોંચ્યો હતો. પોલીસે પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- બારડોલીમાં નશાની હાલતમાં પતિએ પત્નીને માર મારી પુત્રીને બચકું ભર્યુ
- બૂમાબૂમ થતાં આજુબાજુના રહીશો મદદે દોડી આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના સીરોહીના મંડાર ગામના અને અને છેલ્લાં ત્રણ વર્ષથી બારડોલીના અસ્તાન રોડ પર આવેલા લિમ્બર શોપિંગ સેન્ટરમાં ફ્લેટ નં.503માં પત્ની અને 9 વર્ષની પુત્રી સાથે રહેતા દિનેશ શિવરામ રાવલ બારડોલીના સ્ટેશન રોડ પર ભાગ્યલક્ષ્મી રેડિમેડ કપડાંની દુકાન ચલાવે છે. ગત બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યે ઘરે જમીને દિનેશ નીચે જતો રહ્યો હતો. જ્યારે તેની પત્ની કંચનબેન અને પુત્રી સૂઈ ગયા હતા. રાત્રિના પોણા 11 વાગ્યાની આસપાસ દિનેશ પીધેલી હાલતમાં ઘરમાં આવ્યો અને પત્ની કંચનબેન સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો.
ગાળ બોલવાની ના પાડતાં દિનેશ તેની પત્ની કંચનબેનને લાકડીથી મારવા લાગ્યો હતો. તેણીના આંખમાં મુક્કો મારી દીધો હતો. પુત્રી છોડાવવા માટે વચ્ચે પડતાં તેને પણ બચકું ભરી માર મારવા લાગ્યો હતો. આથી પુત્રીને છોડાવવા માટે કંચનબેને દિનેશના હાથ પર પણ બચકું ભરી દીધું હતું. બૂમાબૂમ થતાં આજુબાજુના રહીશોએ દરવાજો ખખડાવતાં કંચને દરવાજો ખોલી દેતાં રહીશોએ વધુ મારથી બચાવ્યા હતા. આ ઘટના અંગે કંચનબેને બારડોલી ટાઉન પોલીસમથકમાં ફરિયાદ કરતાં પોલીસે દિનેશ શિવરામ રાવલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.