બારડોલી: (Bardoli) હવામાન વિભાગ દ્વારા ગરમીના (Hot) પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ જ ગુરુવારના રોજ બારડોલીનું મહત્તમ તાપમાન (Temperature) 44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી જતાં લોકો કાળઝાળ ગરમીમાં (Summer) રીતસરના શેકાયા હતા.
- બારડોલી નગરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો, લોકો ત્રાહિમામ
- ગરમીથી રાહત મળે એ માટે ઠેર ઠેર પાણીની પરબ અને છાશનું વિતરણ
છેલ્લા બે દિવસથી બારડોલી પંથકમાં હીટવેવને કારણે ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. ઉષ્ણતામાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. બપોરના સમયે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ભારે ગરમીના કારણે મોટરસાઇકલ જેવાં ખુલ્લાં વાહનો પર જવું લોકો માટે કપરું થઈ ગયું છે. ભારે ઉકળાટ અને બફારાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. આવી જ ગરમી આવતીકાલે પણ અનુભવ થશે. જો કે, શનિવાર પછી આંશિક રીતે ગરમીમાં રાહત થાય તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.
આવી કાળઝાળ ગરમી વચ્ચે બારડોલીમાં લોકોને રાહત મળે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબ અને છાશ વિતરણ કરવામાં આવી રહી છે. જેથી આવતા જતાં રાહદારીઓને ગરમીમાં થોડા અંશે રાહત થઈ શકે. આ ઉપરાંત અન્ય લોકો ઠંડાં પીણાં અને લીંબુ શરબત જેવાં પીણાંનો સહારો લઈને ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ ઓફિસમાં કામ કરતાં લોકોને એસી અને પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે.
તાપી જિલ્લામાં ૪૩ ડિગ્રી તાપમાન સાથે ઉનાળાનો સૌથી ગરમ દિવસ, લોકો હેરાન
વ્યારા: તાપી જિલ્લામાં ગુરુવારે ૪૩ ડિગ્રી તાપમાન સાથે ઉનાળાની સૌથી વધું ગરમી નોંધાઈ હતી. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયું હતું. ગુરુવારે ભેજનું પ્રમાણ માત્ર ૧૩ ટકા, ઝાકળ બિંદુ ૮ ડિગ્રી સે., દૃશ્યતા ૧૪ કિ.મી. નોંધાઇ છે. આગામી દિવસોમાં હજુ ગરમી વધવાની શક્યતા છે. વહીવટી તંત્રની સાથે સાથે તબીબો અને નિષ્ણાતોએ જાહેર જનતાને તકેદારી રાખવાની અપીલ કરી છે.
ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઝાડા-ઊલટીના કેસોમાં વધારો થયો છે. તાવ અને માથાના દુખાવાના દર્દીઓની સંખ્યા પણ વધુ જોવા મળી છે. ગરમીનો પારો સતત વધી રહ્યો હોવાથી લોકો બપોરે ૧૨થી ૪માં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેથી બપોરે માર્કેટની બંધ જેવી સ્થિતિ જોવા મળી છે. જ્યારે રોડ ઉપર દોડતાં વાહનોની સંખ્યામાં પણ મહત્તમ ઘટાડો નોંધાયો છે.