બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના રામપરા ગામના સરપંચે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લેતાં ચકચાર મચી ગઈ છે. ગામના વિકાસના કામમાં તલાટી અને કોન્ટ્રાક્ટરે પટેલ ફળિયામાં સીસી રોડ (C C Road) બાબતે વધારાનાં બિલ બનાવી તે બાબતની એનઓસી અને પ્રમાણપત્ર પર સહી કરાવી દેતાં સતત તણાવમાં રહેતા હતા. જેને કારણે જ સરપંચે આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રામપરા ગામના જૂના હળપતિવાસ ફળિયામાં રહેતા વિજય બાબુ રાઠોડ (ઉં.વ.34) છેલ્લા એક વર્ષથી ગામના સરપંચ તરીકે ચુંટાયા હતા. તેઓ તેમની પત્ની હિમાક્ષી, પુત્રી વૈભવી, પિતા બાબુભાઇ અને માતા લક્ષ્મી સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. રવિવારે રાત્રે પરિવાર સાથે સૂઈ ગયા હતા. દરમિયાન બીજા દિવસે સોમવારે સવારે 6 વાગ્યે પરિવારના સભ્યો ઊઠતાં વિજયભાઈ ઘરમાં પતરાંની છતના પાઇપ સાથે સાડીના ટુકડાથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનોએ બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશો પણ દોડી આવ્યા હતા અને વિજયને નીચે ઉતારી તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
સ્થળ પર પહોંચેલી પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી, જેમાં વિજયના મોબાઇલ ફોનના નોટપેડમાં ટાઈપ કરેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, “હું આત્મહત્યા કરું છું. પટેલ ફળિયામાં સીસી રોડ બાબતે એડ્વાન્સમાં બધુ કામ થયું છે તેમાં બધી ભવાઇ છે અને આ કામ મને નહીં ખબર હતી કે એક એજન્સીએ કર્યું હતું કે કામ અંદાજિત એક કરતાં વધારે થઈ ગયું છે. બીજી એજન્સીનાં બિલ મૂકી પાસ કરાવ્યું હતું. પણ કામ તો થયું જ હતું તે ચોક્કસ કહું છું.” આ ઉપરાંત તેણે આમાં કોંગ્રેસ-ભાજપ થાય છે. જો ભાજપના સરપંચ હોત તો મામલો રફેદફે થઈ ગયો હોત એવું પણ જણાવ્યું છે.
પોલીસે દાખલ કરેલી અકસ્માત મોતની ફરિયાદમાં મૃતકના મોટા ભાઈ વિનુ બાબુ રાઠોડે વિજયની પત્ની હેમાક્ષીબેન અને ગ્રામ પંચાયતના સભ્ય પ્રવીણભાઈ દ્વારા કરવામાં આવેલી વાતોને ટાંકીને જણાવ્યું હતું કે, ગામના પટેલ ફળિયામાં સીસી રોડની લેતીદેતી બાબતે કોન્ટ્રાક્ટર સંજયભાઈ વિજય પર પ્રેસર કરતા હતા. સંજયભાઈએ તલાટી દીપકભાઇ સાથે મળી સીસી રોડ બાબતે વધારાનાં બિલ બનાવી તે બાબતેની એનઓસી અને પ્રમાણપત્ર પર સરપંચ તરીકે વિજયની સહી કરાવી દીધી હતી. આથી પોતાના પર બધુ આવી પડશે એમ જાણી વિજય ખૂબ જ તણાવમાં રહેતા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે હાલ તો કોન્ટ્રાક્ટર સંજય અને તલાટી દીપકભાઈના નામના ઉલ્લેખ સાથે અકસ્માત મોતની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.