બારડોલી: (Bardoli) બારડોલીના સ્ટેટ હાઈવે (State Highway) પર માટી ભરેલી ટ્રકના (Truck) ચાલકે પૂરઝડપે ગફલતભરી રીતે હંકારીને બીડ ગામની સીમમાં ઉભી રહેલી એક ખાનગી બસને (Bus) પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. આ અકસ્માતમાં બસમાં બેઠેલા ખાનગી કંપનીના 14 માણસોને ઈજા થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને 108માં મહુવાના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે.
- સુરતના જોળવાના સાહિબા કંપનીની બસ સવારે મજૂરોને લેવા ગઈ ત્યારે અકસ્માત થયો
- માટી ભરેલી ટ્રકના ચાલકે પૂરઝડપે ઉભેલી બસને પાછળથી ટક્કર મારી
- અકસ્માતમાં 16 મુસાફરોને નાની-મોટી ઈજા થતાં મહુવાના સરકારી દવાખાનામાં ખસેડાયા
- આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 6 મજૂરોને બારડોલીની હોસ્પિટલમાં ખસેડાયા
- પોલીસે ગુનો નોંધી ટ્રકના ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના ઉમરા ગામના બ્રદદેવ ફળિયામાં રહેતાં કમલેશ પટેલ જોળવા પાટિયા નજીક આવેલી સાહિબા લિ. કંપનીની બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. શનિવારે તેઓ મહુવા તાલુકાના આસપાસના ગામમાં રહેતા અને કંપનીમાં નોકરી કરતા મજૂરોને બેસાડી સવારે તેમની બસ જીજે-19-ટી-4574માં કંપની તરફ જઈ રહ્યાં હતાં. સવારે 7.45 કલાકે બીડ ગામની સીમમાં ભવાની માતાજીના મંદિર નજીક કેટલાંક મજૂરોને બેસાડવા માટે તેઓએ બસ ઉભી રાખી હતી ત્યારે માટી ભરેલી ટ્રક નં. આરજે-27-જીડી-8552ના ચાલકે પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં બસમાં બેઠેલા 14 જણાને ઈજા પહોંચી હતી. અચાનક થયેલી જોરદાર ટક્કરના લીધે અંદર બેઠેલા મજૂરો ગભરાયા હતા અને બૂમાબૂમ કરી મુકી હતી. અકસ્માતના અવાજના પગલે સ્થાનિક ગ્રામવાસીઓ દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને 108માં મહુવા સરકારી દવાખાને પહોંચાડ્યા હતા. ગંભીર ઘાયલ 6 જણાને બારડોલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહુવા પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.