બારડોલી: રાજકોટના અંગ્નિકાંડ બાદ બારડોલીનું તંત્ર હરકતમાં આવ્યું હતું. બારડોલી ફાયર વિભાગ તેમજ અન્ય વહીવટી તંત્ર એકત્રિત થઈ નગરની 21 જેટલી બહુમાળી બિલ્ડિંગમાં સરવે કર્યા બાદ ફાયર વિભાગ દ્વારા નગરમાં અસ્તાન તેન રોડ પર સ્ટારવ્યૂહ એપાર્ટમેન્ટ અને અરહિંત કોમ્પ્લેક્સની દુકાનો સીલ કરી હતી. આ કાર્યવાહી બાદ ધીમેધીમે નગરમાં અનેક જગ્યાએ સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જોકે, હવે લાંબા દિવસોથી વેપારીઓના ધંધા રોજગાર બંધ રહેતા અને દુકાનમાં ફાયર સુવિધા ઊભી કરી એનઓસી લેવાની પ્રક્રિયા માટે દુકાન ખુલ્લી કરવાની જરૂર હોય. પાલિકાએ વચગાળાનો રસ્તો કરી દુકાનોના સીલ ખોલવાની કામગીરી હાથ ધરી છે.
- બારડોલીમાં સીલ કરાયેલી દુકાનો 10 દિવસ બાદ ખૂલી
- ફાયર સેફ્ટી ન હોવાથી ફાયર વિભાગ દ્વારા અસ્તાન તેન રોડ પર સ્ટારવ્યૂહ એપાર્ટમેન્ટ અને અરહિંત કોમ્પ્લેક્સની દુકાનો સીલ કરાઈ હતી
બારડોલી નગર વિસ્તારમાં રાજકોટ અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર દોડતું થયું હતું. નગરમાં આવેલ ફાયર સુવિધા વગરની મિલકતો કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ, ગેમઝોન, ટ્યુશન ક્લાસિસ, શાળા-કોલેજ હોસ્પિટલ, પેટ્રોલપંપ, સિનેમાગૃહ, બહુમાળી બિલ્ડિંગ્સ જેવા વિસ્તારમાં સરવે શરૂ કર્યા હતા. આ દરમિયાન ફાયર સુવિધા વગરની દુકાનો અને કોમ્પ્લેક્સ સીઝ કરવાની કામગીરી ગત 28મી મેથી શરૂ કરી હતી. ધીમેધીમે મોટા પ્રમાણમાં કોમ્પ્લેક્સ અને દુકાનો સીઝ કરતાં છેલ્લા 10 દિવસથી નગરમાં દુકાનો અને કોમ્પલેક્સો સિઝ થતાં ધંધા-રોજગાર બંધ થયા હતા. વેપારીમંડળનો મોરચો બારડોલી પાલિકા ખાતે પહોંચ્યો હતો. બીજી તરફ ફાયર સુવિધા વગર દુકાનો અને કોમ્પ્લેક્સ ખોલવું હાલની પરિસ્થિતિમાં મુશ્કેલ હતું. સાથોસાથ એનઓસી મેળવવા માટે અને દુકાનોમાં ફાયર સુવિધા ઊભી કરવા માટે સીલ ખોલવું પણ જરૂરી હતું. આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વચગાળાનો રસ્તો કરી સીલ કરેલી દુકાનોના સીલ ખોલવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જો કે, આ વેપારીઓ પાસે નગરપાલિકા અને ફાયર વિભાગે સોગંદનામું લીધું છે. 25 દિવસમાં દુકાનદારોએ ફાયર સલામતીની વ્યવસ્થા કરીને એનઓસી મેળવવાની રહેશે અને જો પ્રક્રિયા નહીં હાથ ધરાય તો ફરી દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલ બારડોલી ફાયર વિભાગ દ્વારા બારડોલીના અસ્તાન તેન રોડ પર આવેલી અરિહંત ચેમ્બર અને સ્ટાર વ્યૂ એપાર્ટમેન્ટમાં સીલ કરેલી દુકાનોનાં સીલ ખોલવાની કામગીરી હાથ ધરી હતી.