બારડોલી: (Bardoli) બારડોલી કડોદરા રોડ (Kadodra Road) પર રસ્તાની વચ્ચે અચાનક કૂતરું (Dog) આવી જતા મુસાફરોથી ભરેલી રીક્ષા (Rickshaw) પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં એક મુસાફરનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ ઘટનામાં ચાલક સહિત ત્રણને ઇજા થતાં તેમની સારવાર (Treatment) ચાલી રહી છે.
- કડોદ રોડ પર અચાનક કૂતરું આવી જતા રીક્ષા પલટી, એક મુસાફરનું મોત
- રસ્તામાં અચાનક કૂતરું આવી જતા રીક્ષા કૂતરા પર ચઢીને પલટી મારી ગઈ હતી
કડોદરા તરફથી બારડોલી આવી રહેલી એક રીક્ષા નંબર જીજે 5 બીડબ્લ્યુ 4015 બારડોલી જી.આઈ.ડી.સી. નજીકથી પસાર થઈ રહી હતી. તે સમયે ખાન પોઇન્ટ નજીક રસ્તામાં અચાનક કૂતરું આવી જતા રીક્ષા કૂતરા પર ચઢીને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ચાલક અને ત્રણ મુસાફરો ઘવાયા હતા. જેમા બારડોલીની જલારામ હુડકો સોસાયટીમાં રહેતા વખતસિંહ ડાહ્યાસિંહ સોલંકી (ઉ.વર્ષ 70)નું સારવાર દરમ્યાન મોત થયુ હતું. જ્યારે અન્ય મુસાફરો ત્રિકમ શરાધિયા ગામીત (ઉ.વર્ષ 52, મૂળ રહે નિશાળ ફળિયું, રાનવેરી, તા. વાલોડ, જી.તાપી, હાલ રહે ક્રિષ્યન વીલા, ગંગાધરા, તા. પલસાણા, સુરત), દીક્ષિતા વિજય સુરતી (ઉ.વર્ષ 25, રહે તરસાડા, તા.માંડવી)ને ઇજા પહોંચી હતી. રીક્ષા ચાલકને ગંભીર ઇજા થઇ હોય તેને સારવાર અર્થે સુરત મોકલવામાં આવ્યો હતો. બારડોલી ટાઉન પોલીસે ત્રિકમ ગામીતની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ખેતરમાં વીજળીના થાંભલા નીચેથી એક મજૂરની લાશ મળી
બારડોલી: બારડોલી તાલુકાના સરભોણ ગામે એક ખેતરમાં વીજળીના થાંભલા નીચેથી એક મજૂરની લાશ મળી આવી હતી. શરીરે ગંભીર રીતે દાઝેલાના નિશાન હોય વીજ કરંટ લાગવાથી તેનુ મોત થયું હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભોણ ગામે ખત્રીમોરા ફળિયામાં રહેતા બાબુભાઈ બચુભાઇ હળપતિના ખેતરમાંથી શુક્રવારે બપોરના સમયે વીજળીના થાંભલા નીચેથી દિનેશ રમેશ હળપતિ (ઉ.વર્ષ 31, રહે. જૂનું કાજી ફળિયું, સરભોણ, તા.બારડોલી)ની લાશ મળી આવી હતી. તેનું આખું શરીર કાળું પડી ગયું હતું અને ગળા તેમજ છાતીના ભાગે દાઝેલાનું નિશાન હતું. ગંભીર રીતે દાઝી જવાથી દીનેશનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસે અને તબીબે દીનેશનું મોત કરંટ લાગવાથી જ થયું હોવાનું જણાવ્યું હતું. જો કે ખેતરમાં ક્યાંય પણ વીજતાર નીચે પડેલા જોવા મળ્યા નથી. તે કઈ રીતે વીજ તારના સંપર્કમાં આવ્યો તે પણ પોલીસ માટે એક તપાસનો વિષય છે. હાલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે