બારડોલી: (Bardoli) બારડોલીમાં ગત રાત્રે ગાજવીજ સાથે વરસેલા ભારે વરસાદને (Rain) કારણે શહેરના મધ્યમાંથી પસાર થતી ખાડીમાં (Bay) પૂર જેવી સ્થિત સર્જાઈ હતી. ગાંધી રોડ પર આવેલી રાજીવનગરની ગલી નં.2માંથી પસાર થતી આ ખાડીમાં પાણીની સપાટી વધી જતાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. સામાન બચાવવામાં એક દંપતી ઘરમાં ફસાયું હતું. જેને બારડોલી ફાયર બ્રિગેડે સુરક્ષિત બહાર કાઢ્યું હતું.
- રાજીવનગર પાસે ખાડીમાં પાણીની સપાટી વધી જતાં અનેક ઘરોમાં પાણી ભરાયા, એક દંપતીને ફાયર બ્રિગેડે બચાવ્યું
- પાણી ભરાવાની શરૂઆત થતાં જ પરિવારો ઘરવખરી લઈને ઊંચાણવાળા વિસ્તારમાં પહોંચી ગયા
બારડોલી સહિત જિલ્લામાં સોમવારે રાત્રે 12 વાગ્યા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સવારે 6 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બારડોલીના ગાંધી રોડ પર આવેલા રાજીવ નગર અને હિદાયત નગર સહિતના વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળતાં રાતોરાત સ્થાનિકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ખાડીમાં અચાનક પાણી વધતાં આસપાસ આવેલા ઘરોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાની શરૂઆત થતાં જ પરિવારો ઘરવખરી લઈને ઊંચાણવાળા વિસ્તારમાં પહોંચી ગયા હતા.
જો કે, મળસકે ત્રણ વાગ્યાના સુમારે રાજીવ નગરની ગલી નં.2માં એક પરિવારે પોતાનાં બાળકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દંપતી ઘરવખરી લેવા માટે ઘરમાં ગયા હતા. તે સમયે ખાડીમાં અચાનક પાણી વધી ગયું હતું દંપતી ફસાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘરમાં ફસાયેલા ફરજાના મન્સૂર અન્સારી (ઉં.વ.45) અને મન્સૂર અહેમદ અન્સારી (ઉં.વ.46)ને ભારે જહેમત બાદ બહાર કાઢ્યાં હતાં. જો કે વરસાદ ઓછો થતાં જ ખાડીના પાણી ઓસરી ગયા થતાં તંત્ર અને સ્થાનિકોએ રાહત અનુભવી હતી.
નર્મદા ડેમની જળ સપાટી 122.19 મીટરે પહોંચી
રાજપીપળા: નર્મદા ડેમની જળ સપાટી મંગળવારે 122.19 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે નર્મદા ડેમની જળ સપાટી વધી રહી છે. પાણીની આવક 5105 ક્યુસેક છે અને કુલ જાવક 4855 છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ પાણીનો જથ્થો 5314 મિલિયન ક્યુબિક મીટર છે. ત્યારે કહી શકાય કે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી મહદ અંશે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. ત્યારે હવે ચિંતા સતાવી રહી છે કે નર્મદા ડેમ આ સિઝનમાં હવે સંપૂર્ણ ક્યારે ભરાશે.