બારડોલી: (Bardoli) સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં ઝરીમોરા અને માંડવી તાલુકાનાં ઝાંખલા ગામે હડકાયા કુતરાએ (Rabid Dog) આતંક મચાવ્યો હતો. બંને ગામમાં કૂતરાએ 35 જેટલા પશુઓ અને 15 જેટલા માણસોને બચકાં ભર્યા હતા. ઇજાગ્રસ્તોને માંડવી અને વ્યારાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે પશુઓ માટે સુમુલ અને પશુપાલન વિભાગે વેક્સિનેશનની કામગીરી શરૂ કરી હતી.
- ઝરીમોરા અને ઝાંખલામાં હડકાયા કુતરાએ પશુઓ અને માણસોને બચકાં ભરતા અફરાતફરી
- ઇજાગ્રસ્તોને માંડવી અને વ્યારાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
રવિવારના રોજ બારડોલી તાલુકાનાં ઝરીમોરા ગામે હડકાયા કુતરાએ આતંક મચાવતા લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. રવિવારે વહેલી સવારે એક હડકાયું કૂતરું આંટાફેરા મારી 25 થી વધુ પશુઓને બચકાં ભરી દીધા હતા. આ ઉપરાંત ગામમાંથી પસાર થતાં 12 જેટલા લોકોને પણ પગ અને શરીરના અન્ય ભાગોમાં બચકાં ભરતા લોકો દોડધામ મચી ગઈ હતી.
લોકોએ કુતરાને મારવા માટે દોડાદોડ કરતાં કુતરુ બાજુમાં આવેલા માંડવી તાલુકાનાં ઝાંખલા ગામમાં ઘૂસ્યું હતું. જ્યાં પણ કુતરાએ ત્રણથી ચાર માણસો અને 8થી દસ પશુઓને બચકાં ભર્યા હતા. ઝાંખલા ગામના લોકોએ કુતરાને મારી નાખ્યો હતો. ઇજાગ્રસ્તોને માંડવી અને વ્યારાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પશુઓ માટે સુમુલ અને પશુ પાલન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વેક્સિનેશનની કામગીરી શરૂ કરી હતી.