બારડોલી: (Bardoli) બારડોલીમાં જૂની કોર્ટની (Court) સામેના ખાડામાં આવેલા ચર્ચ પાસે સામાન્ય બાબતે બે જૂથ સામસામે આવી જતાં 6થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. એકને માથામાં પાવડા અને લાકડાના સપાટા મારી જીવલેણ હુમલો કરતાં સુરતની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો છે. જ્યારે ઘાયલ અન્ય પાંચથી છ જણાને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
- રૂમાલમાં પથ્થર બાંધી દડો રમવા બાબતે શાંતારામ બોરસેએ ટોકતાં મામલો મારામારીમાં પરિણમ્યો
- બે જૂથ સામસામે આવી જતાં 6થી વધુ લોકોને ઇજા પહોંચી, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
મૂળ મહારાષ્ટ્રના માલેગાંવના અને હાલ બારડોલી જૂની સિવિલ કોર્ટની સામેની વસાહતમાં રહેતા શાંતારામ બાબાજી બોરસેએ આપેલી ફરિયાદ મુજબ શુક્રવારે રાત્રે આઠ વાગ્યે તે આંગણવાડી પાસે બેઠો હતો. એ સમયે તેનો ભત્રીજો નિલેષ બોરસે છોકરા સાથે રૂમાલમાં પથ્થર બાંધી દડો રમતો હતો. શાંતારામે કોઈને વાગી જાય એ માટે રમવાની ના પાડી રહ્યો હતો. આ સમયે ફરદીન ઇમરાન શેખ નામનો ઈસમ ત્યાંથી પસાર થતાં, તેણે શાંતારામને “તું કોને ગાળો આપે છે” એમ કહી બોલચાલી કરવા લાગ્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થતાં પરિવારજનોએ છૂટા પાડ્યા હતા. આ ઘટના બાદ શાંતારામ ઘરમાં જમવા બેઠો હતો ત્યારે ફરદીન ઇમરાન શેખ તેના મિત્રો સાથે તેના ઘર પાસે ધસી આવ્યો હતો. શાંતારામને ઘરમાંથી બહાર ખેંચી ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા. શાંતારામને છોડાવવા માટે તેના પિતા બાબાજીભાઈ અભિમાન બોરસે સહિત પરિવારજનો ત્યાં પહોંચતાં જયેશ વસાવાએ બાબાજી બોરસેના માથામાં લાકડાનો સપાટો મારી દીધો હતો.
જાલમસિંગે બાબાજીના માથામાં પાવડો મારતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. બાદ પથ્થરમારો કરતાં શાંતારામને હાથ, તેના ભાઈ કાશીનાથને માથામાં તેમજ બહેન અનસૂયાને મોઢામાં પથ્થર વાગતાં તેના દાંત તૂટી ગયા હતા. મુકેશને પણ માથામાં પથ્થર વાગતાં લોહી નીકળવા લાગ્યું હતું. લોકો ભેગા થઈ જતાં ફરદીન શેખ અને તેના સાગરીતો જાનથી મારી નાંખવાની ધમકી આપીને નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત તમામને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી બાબાજીને ગંભીર ઇજા હોય સુરત ખસેડવામાં આવ્યા હતા. પોલીસે શાંતારામની ફરિયાદના આધારે જયેશ જાલમસિંગ વસાવા, જાલમસિંગ ગીરજી ગાવીત, ફરદીન ઇમરાન શેખ, દાનિયલ ભાવેશ હળપતિ, સોનિયાભાઈ પાંડુભાઈ પાટિલ, રાહુલ ધરમદાસ પાડવી અને પ્રિતેશ ધરમદાસ પાડવી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એક યુવક ઝઘડો જોવા ગયો અને માર પડ્યો
બારડોલીની જૂની કોર્ટની સામે ખાડામાં આવેલી વસાહતમાં રહેતા દીપકભાઈ ધરમદાસ પાડવીએ આપેલી ફરિયાદ મુજબ શુક્રવારે રાત્રે આઠ વાગ્યે ફળિયામાં લોકોનું ટોળું ભેગું થયું હોય તે જોવા માટે ગયો હતો. એ સમયે ફળિયામાં જ રહેતો છીકરૂભાઈ પીરૂભાઈ બોરેસે તેની તરફ દોડી આવી મોં પર ઈંટ મારી દીધી હતી. તો પાછળથી મુકેશ પીરૂભાઈ બોરસેએ ઢીકમુક્કીનો માર મારવાની શરૂઆત કરી હતી, જેમાં દીપકના બે દાંત તૂટી ગયા હતા. તેને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. દીપક પાડવીએ છીકરુ પીરૂભાઈ બોરસે અને મુકેશ પીરૂભાઈ બોરસે વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.