બારડોલી: (Bardoli) પોંકનું (Ponk) વેચાણ શરૂ થઇ ગયું છે ત્યારે બારડોલીમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને (Rain) કારણે જુવારના પાકને નુકસાન પહોંચ્યું છે. ગત વર્ષે પણ કોરોના તેમજ કમોસમી વરસાદે (Rain) પોંક સિઝન (Season) બગાડી હતી. ત્યારે ચાલુ વર્ષે પણ માંડ માંડ હજુ બજારમાં પોંકનું આગમન થયું છે, ત્યારે છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા વરસાદને પગલે જુવારનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે અને જુવારના દાણા લાલ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.
ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સુરતના પોંક વખણાય છે. સુરત જિલ્લામાં પોંકની ખેતી બારડોલીનાં આજુબાજુનાં ગામોમાં થાય છે. શિયાળો શરૂ થતાં જ વાનીની જુવાર પકવતા ખેડૂતોએ પોંકનો ઉતાર કરવાનું શરૂ કરીને તેનું વેચાણ શરૂ કરી દીધું છે. સુરત જિલ્લામાં માત્ર શેરડીની ખેતી કરતા આદિવાસી ખેડૂતો શેરડીના વિકલ્પ તરીકે રોકડી કમાણી કરી આપતો આ વાની જુવારનો પાક લેવાનું પસંદ કરે છે. આ પાક બારડોલીની નજીક આવેલા કિકવાડ, ભટલાવ, ઉતારા ,વધાવા, સેજવાડ, હિંડોલીયા ગામના ખેડૂતો કરે છે. ત્યારે માંડ માંડ ચાર પાંચ દિવસ અગાઉ જ બારડોલી-ધુલિયા ચોકડી નજીક પોંક બજાર શરૂ થયું છે. ત્યારે છેલ્લા બે દિવસથી બારડોલી પંથકમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીની ચિંતા વધારી દીધી છે.
આ વરસાદને કારણે જુવારના દાણા લાલ થઈ જતા હોય છે અને પોંક બનાવવા માટે આ જુવાર બીનઉપયોગી બની જશે. તેની પોંક બજાર પર સીધી અસર થવાની શક્યતા છે. ગત વર્ષે પણ કોરોના મહામારીના કારણે વિદેશમાં રહેતા ભારતીયો આવી ન શકતા અને કમોસમી વરસાદને પગલે પોંક બજાર ઠંડું રહ્યું હતું. તો હાલ પોંક સિઝનની શરૂઆતમાં જ વરસાદે પોંકનો વેપાર કરતાં લોકોની ચિંતા વધારી છે. માવઠાને લઈ જુવારનાં ડુંડાં લાલ થઈ ગયા છે. જેથી પોંકના વેપારીઓ હાલ ભરૂચ વિસ્તારમાંથી જુવારનાં ડુંડાં લાવી પોંક બનાવી વેચાણ કરી રહ્યા છે.
હાલ 500થી 600 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાય છે
જુવારની વાનીમાંથી તૈયાર થયેલા પોંકના ભાવની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ ભાવમાં કોઈ ફેર જોવા મળ્યો નથી. આ વર્ષે પણ 500થી 600 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાણ થઈ રહ્યું છે.
છેલ્લાં બે વર્ષથી નુકસાન થઈ રહ્યું છે. દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બર માસમાં મોટી સંખ્યામાં NRIઓ આવતા હોય છે. જો કે, ગત વર્ષે કોરોના મહામારીને કારણે NRI આવી શક્યા ન હતા અને બીજી તરફ વરસાદને કારણે નુકસાન થયું હતું. ત્યારે આ વર્ષે પણ શરૂઆતમાં જ વરસાદ પડતાં જુવારનો પાક જમીનદોસ્ત થઈ જતાં મોટું નુકસાન વેઠવાની નોબત ઊભી થઈ છે.
-જયંતીભાઈ ચૌધરી (કિકવાડ ગામ)