બારડોલી: બરાબર એક વર્ષ બાદ બારડોલીમાં (Bardoli) ફરી એક વખત ઓનલાઈન હનીટ્રેપની (Online Honeytrap) ઘટના સામે આવી છે. બારડોલીમાં બેથી ત્રણ વ્યક્તિઓ આ ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બની હોવાનું વિગતો સાંપડી રહી છે. જે પૈકી એક વ્યક્તિએ આ અંગે બારડોલી પોલીસને (Police) પણ જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત વર્ષે બારડોલીમાં એક રાજકીય અગ્રણી તેમજ વેપારી સહિતના વ્યક્તિઓને ફેસબુક મેસેન્જર (Facebook Messanger) પર ફોન કોલ (Phone Call) કરી તેમની સાથે વાતચીત બાદ વિશ્વાસમાં લઈ તેમના બીભત્સ વિડીયોનો (Video) સ્કીન રેકોર્ડ લઈ ફરતો કરી દેવામાં આવ્યો હતો.
- ગત વર્ષે રાજકીય અગ્રણી તેમજ વેપારી સહિતના વ્યક્તિઓને ફોન કોલ કરી વાતચીત બાદ વિશ્વાસમાં લઈબીભત્સ વિડીયો લઈ ફરતો કરી દેવામાં આવ્યો હતો
- બીભત્સ હરકત સ્કીન વિડીયો દ્વારા રેકોર્ડ કરી ભોગ બનનાર પાસે મોટી રકમની માંગ કરવામાં આવી
- એક યુવકનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો
બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો. જે-તે સમયે ગ્રામ્ય પોલીસ દ્વારા રાજસ્થાનથી ઓનલાઈન હનીટ્રેપના આરોપીને ઝડપી લઈ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદથી આ ઓનલાઈન હનીટ્રેપની ઘટના આવતી બંધ થઈ ગઈ હતી. બરાબર એક વર્ષ બાદ સોશિયલ મીડિયા પર વાતચીત કરી નગ્ન યુવતીનો વિડીયો બતાવી જે-તે વ્યક્તિને બીભત્સ હરકત કરવાનું કહેવામાં આવે છે. આથી આ બીભત્સ હરકત સ્કીન વિડીયો દ્વારા રેકોર્ડ કરી ભોગ બનનાર પાસે મોટી રકમની માંગ કરવામાં આવે છે. જો જરૂરિયાત પૂરી કરવામાં નહીં આવે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવે છે. આવી જે એક ધમકી બાબેન વિસ્તારના એક યુવકને આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ એક યુવકનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. જેને કારણે બારડોલીમાં ફરી ઓનલાઈન હની ટ્રેપ ચર્ચાનો વિષય બન્યો છે.
બારડોલી સહિત જિલ્લામાં ફેસબુક પર વિડીયો કોલ કરી કે અન્ય કોઈ સોશિયલ મીડિયા સાઈટ પરથી ઓનલાઈન હનીટ્રેપના બનાવો વધી રહ્યા છે. એક પછી એક લોકોના વિડીયો વાઇરલ થઈ રહ્યા હોય હવે આ વિસ્તારમાં ફફડાટ ફેલાય ગયો છે અને તેની સાથે જ વિસ્તારના રાજકીય આગેવાનો પણ સક્રિય બન્યા છે.