બારડોલી: બારડોલી (Bardoli) તાલુકાના તાજપોર બુજરંગ (TajporBujrang) ગામમાં ફરી એક વખત દીપડાએ (Leopard) દેખા દેતાં ગ્રામજનોમાં ગભરાટનો માહોલ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે એક દીપડો વાંદરાનો (Monkey) શિકાર (Hunting) કરવા પાછળ દોડ્યો હતો. જો કે વાંદરો વૃક્ષ પર ચઢી જતાં દીપડો ખેતરાડી વિસ્તારમાં નાસી છૂટ્યો હતો.
બારડોલી તાલુકાના તાજપોર બુજરંગ ગામના રીછડી ફળિયામાં સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ સુનિલભાઈ કોંકણી અને ગામના લોકો ઘરની બહાર બેઠા હતા ત્યારે ખેતરાડી વિસ્તારમાંથી એક દિપડો આવી હનુમાન લંગુર ( વાંદરા ) પાછળ દોડતો દોડતો રહેણાક વિસ્તારમાં આવી ચઢ્યો હતો.
જો કે વાંદરો ઝાડ પર ચઢી જતા દિપડો ખેતરાડી વિસ્તાર તરફ જતો રહ્યો હતો. આ વાતની જાણ ગામના સરપંચ રાહુલભાઈ કોંકણીએ ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને કરી હતી. રાહુલભાઈ એ જણાવ્યું હતું કે બે દિવસ થી દિપડો આ વિસ્તારમાં સાંજના 5 વાગ્યાના સમયે જ જોવા મળી રહ્યો છે. દીપડાને પકડવા માટે વન વિભાગને પાંજરું મૂકવા બાબતે રજૂઆત કરવામાં આવશે. ગામમાં વારંવાર દીપડા દેખાતા હોય ગ્રામજનોમાં ભયનો માહોલ છે. અહીંના ખેત મજૂરો ખેતરમાં જતાં ડરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં દીપડાની સંખ્યામાં 145.5 ટકાનો વધારો
દક્ષિણ ગુજરાતમાં 2016માં 211 દીપડા નોંધાયા હતા. જે હવે 2023માં વધીને 518 નોંધાયા છે. જેને લઈને દક્ષિણ ગુજરાતમાં 145.5 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને ભરૂચમાં 105 દીપડા જોવા મળ્યા છે.
ગુજરાતમાં 6 વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો
ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં દીપડાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને વન વિભાગે (Forest Department) તાજેતરમાં વસ્તી ગણતરી (census) કરાવતા વર્ષ 2016માં દીપડાઓની સંખ્યા 1395 હતી, જયારે હાલ 2023ના વર્ષમાં દીપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ 2274 પર પહોંચી છે. જેને જોતા 6 વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો નોંધાયો છે.
જંગલો ઘટતા ખોરાકની શોધમાં દીપડા માનવ વસવાટ તરફ આગળ વધ્યા
વન્યજીવ નિષ્ણાત અનુસાર ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં દીપડાની સંખ્યામાં એટલા માટે વધારો થયો છે કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં શેરડીના ખેતરો હોવાથી દીપડાને ખોરાક અને પીવાનું પાણી સરળતાથી મળી રહે છે. દીપડા શેરડીના ખેતરોમાં સુરક્ષિત અનુભવે છે. દિનપ્રતિદિન જંગલો ઘટતા ગયા અને માનવ વસવાટ વધતો જતા વન્યપ્રાણી માટે આખરે રહેણાંક વિસ્તારો તરફ આગળ વધ્યા છે.