બારડોલી: (Bardoli) બારડોલી ટાઉન પોલીસમથક (Police Station) વિસ્તારમાં આવેલા ધામડોદ લુંભા ગામની સરદાર વિલા સોસાયટીના વિભાગ-2માં લુંટારુઓએ બે ઘરમાં ઘૂસી લૂંટ (Loot) કરતાં ચકચાર મચી ગઈ હતી. એક ઘરમાં પરિવારને ચપ્પુ અને પિસ્તોલ (Pistol) બતાવી સોનાના દાગીના અને રોકડા રૂપિયા લઈ ગયા હતા. જ્યારે બીજા ઘરમાં પરિવારના મોભીએ સામનો કરતાં તેના પર લાકડાથી હુમલો કરી નાસી છૂટ્યા હતા.
છેલ્લા ઘણા સમયથી બારડોલી ટાઉન અને તાલુકા વિસ્તારમાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. તસ્કરો પોલીસને રીતસરના હંફાવી રહ્યા છે. ત્યારે શનિવારે મળસકે ત્રણ વાગ્યાની આસપાસ બારડોલીના ધામડોદ ગામની સીમમાં આવેલી સરદાર વિલા સોસાયટીના વિભાગમાં પાછળના ભાગેથી દીવાલ કૂદીને પાંચથી છ ચોરો પ્રવેશ્યા હતા. લુંટારુ 99 નંબરમાં રહેતા કરચેલિયા ITIના ઇન્સ્ટ્રક્ટર ફાલ્ગુન મગન તળાવિયાના ઘરનો આગળનો દરવાજો તોડી અંદર ઘૂસી ગયા હતા. ફાલ્ગુનભાઈ પહેલા માળે આવેલા બેડરૂમમાં પત્ની સાથે સૂતાં હતાં. જ્યારે તેમની 12 વર્ષની દીકરી સામેના બેડરૂમમાં સૂતેલી હતી. ફાલ્ગુનભાઈએ સમગ્ર ઘટના વર્ણવી હતી. તેમણે કહ્યું કે પાંચથી છ જણા રેઇનકોટ પહેરીને તેમના બેડરૂમની આજુબાજુ ઊભા રહી ગયા હતા. તેમાં હાથમાં ચપ્પુ અને પિસ્તોલ જેવાં સાધનો હતા. ચોરોએ ફાલ્ગુનભાઈના ગળામાંથી સોનાની ચેન કાઢી લીધી હતી. સામનો કરવા જતાં પત્ની સ્નેહલબેનના પગમાં લાકડું મારી દેતાં તેમને ઇજા પહોંચી હતી.
સ્નેહલબેન અને નાની પુત્રીના કાનમાંથી બુટ્ટી કાઢી લીધી હતી તેમજ પુત્રીના પિગી બેન્કમાંથી રોકડા રૂપિયા અને એક મોબાઇલ ફોન લઈ ગયા હતા. બેડરૂમનો કબાટ તોડી તમામ સમાન વેરવિખેર કરી નાંખ્યો હતો. પરંતુ એમાંથી કંઈ ન મળતાં ત્રણેયને ઉપરના બેડરૂમમાં પૂરી બહારથી લોક કરી 101 નંબરના રૂમનો દરવાજો તોડ્યો હતો. જેમાં પહેલા માળે બેડરૂમમાં પત્ની અને નાની પુત્રી સાથે સૂતેલા સાગર પાટીલ દરવાજા પાસે આવી જતાં તેમના પર લાકડાં વડે હુમલો કરી દીધો હતો. સાગરભાઈએ પ્રતિકાર કરી લાકડું પકડી લઈ બૂમાબૂમ કરતાં તમામ શખ્સો દીવાલ કૂદીને નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. જો કે આ મામલે હજી સુધી ગુનો નોંધાયો ન હતો.
રેઇન કોટ પહેરી ચોર ઘરમાં પ્રવેશ્યા
ચોરી કરવા આવેલા શખ્સોએ મકાનોની બહાર મૂકેલા રેઇનકોટ પહેરી લીધા હતા. ત્યારબાદ તેઓ અંદર પ્રવેશ્યા હતા. અંદરથી લોક દરવાજાને તોડીને પ્રવેશ કર્યો હતો. વરસતા વરસાદમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને લઈ સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ એક જ ગેંગ પોલીસને પડકાર ફેંકી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.