બારડોલી: (Bardoli) બારડોલી ગ્રામ્ય પોલીસ (Rural Police) ઊંઘતી રહી અને સુરત જિલ્લા એલસીબી (LCB)ની ટીમે મોતા ગામ નજીક રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂ (Alcohol) સાથે બેને ઝડપી લીધા હતા. બારડોલી ગ્રામ્ય પોલીસ દ્વારા ચૂંટણીને લઈ ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી હોવા છતાં વિદેશી દારૂની (Liquor) થઈ રહેલી હેરાફેરી બારડોલી ગ્રામ્ય પોલીસની (Police) કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો કરી રહી છે.
સુરત જિલ્લા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે ખાનગી રાહે બામતી મળી હતી કે એક ઓટો રિક્ષા નં.GJ05ZZ 8336માં બે ઇસમો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કામરેજથી ભરી બારડોલી ખાતે લઈ જનાર છે અને હાલ આ રિક્ષા રસ્તામાં છે. આવી ચોક્કસ બાતમીના આધારે સુરત જિલ્લા LCBની ટીમે મોતાથી વરાડ જતાં રોડ પર વોચ ગોઠવી હતી. પોલીસે રિક્ષા આવતાં જ તેને રોકી અંદરથી 10 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.27 હજાર સાથે રિક્ષામાં સવાર બે જણાને પકડી લીધા હતા. આરોપીઓએ તેમનાં નામ નિશાર મોહમ્મદ અલી શેખ (રહે.,ભેસ્તાન આવાસ, સુરત) અને અકબર યાકુબ સૈયદ (રહે., તલાવડી, બારડોલી) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે બંનેની ધરપકડ કરી માલ મંગાવનાર કૈલાસ બંસીલાલ બુલીવાલ (મારવાડી) (રહે.,ગાંધી રોડ, બારડોલી) અને માલ પૂરો પાડનાર કારચાલકને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી 27 હજારનો વિદેશી દારૂ, બે મોબાઇલ ફોન કિંમત રૂ.4000, રોકડા રૂ.2720 અને એક રિક્ષા કિંમત રૂ.30 હજાર મળી કુલ 63,720 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ચૂંટણી આચારસંહિતા લાગુ હોય બારડોલી ગ્રામ્ય પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. તેમ છતાં બારડોલી ગ્રામ્ય પોલીસની હદમાંથી બેરોકટોક દારૂની હેરફેર થઈ રહી છે.
પાલોદ નજીક હોટલના કમ્પાઉન્ડમાંથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો
હથોડા: કોસંબા પોલીસે બાતમીના આધારે પાલોડ નજીક હાઇવે પાસે આવેલી હોટલ રોયલ ઈનના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલો ઇંગ્લિશ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડી ડ્રાઇવરની ધરપકડ કરી માલ ભરાવનાર તેમજ માલ મંગાવનાર બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
કોસંબા પોલીસ થાણાના પી.આઈ. એચ.બી.ગોહિલને બાતમીદારે બાતમી આપી હતી કે, કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાલોદ ગામની ભાગોળે આવેલી હોટલ રોયલ ઇનના કમ્પાઉન્ડમાં ઇંગ્લિશ દારૂ ભરેલો ટેમ્પો ઊભો છે. જેથી કોસંબા પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં આ હોટલના કમ્પાઉન્ડમાં એમએચ 04 ju 2040 નંબરનો ટેમ્પોમાંથી 347 પેટી એટલે કે 12,480 ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી હતી. કોસંબા પોલીસે રૂપિયા 25 લાખનો ઇંગ્લિશ દારૂ તેમજ રૂપિયા 20 લાખની કિંમતનો ટેમ્પો મળીને કુલ રૂપિયા 45 લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોચાલક મનીષ પદ્મારામ દેવાસી (રહે.,રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. ડ્રાઇવરની પોલીસે કરેલી પૂછપરછમાં ટેમ્પોમાં દારૂનો જથ્થો મુંબઈ ખાતે રહેતા મહેશ તન્ના નામના બુટલેગર તેમજ સંકેત (રહે.,સોલાપુર)એ ભરાવ્યું હતું અને આ માલનો જથ્થો અંકલેશ્વરના બુટલેગર જિગ્નેશ ઉર્ફે જીગો કિરીટ પરીખે મંગાવ્યો હતો. કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.