બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના બાબેન ગામે સાઈડ આપવાની સામાન્ય બાબતે રીક્ષા ચાલક (Rikshaw Driver) અને તેના ભાઈને કારમાં (Car) આવેલ પાંચ જણાએ લાકડાના સપાટા મારી જીવલેણ હુમલો (Attack) કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત બંને ભાઈઓને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા હતા. બારડોલી ટાઉન પોલીસે પાંચ ઇસમો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર બાબેન ગામના સંજય નગરમાં રહેતો રવિ માધવ ચૌહાણ (ઉ.વર્ષ 25) તેની માતા આશાબેન સાથે રહે છે અને રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યે જમીપરવારીને રવિ રીક્ષા લઈને બારડોલી જવા નીકળ્યો હતો. અલંકાર ચાર રસ્તા પાસે ટ્રાફિક હોવાથી રવિ ધીમે ધીમે રીક્ષા ચલાવતો હતો ત્યારે પાછળથી એક કાર ચાલક હોર્ન મારતો હોય રવિએ રીક્ષા સાઈડમાં કરી હતી. ત્યારે જ કારમાંથી ફિરોજ ધોરાજી અને તેની સાથેનો એક ઇસમ ઉતાર્યા હતા અને રવિ સાથે બોલાચાલી કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. ત્યારબાદ બંને કારમાં બેસી નાસી છૂટ્યા હતા. આશરે દસેક વાગ્યે રવિ રીક્ષા લઈને પરત ઘરે જવા નીકળ્યો હતો ત્યારે બારડોલી સુગર ફેક્ટરીના ગેટ પાસે ફિરોજ ફરી કાર લઈને આવ્યો હતો અને રીક્ષા આગળ ઉભી રાખી દીધી હતી. સાલા તું દાદા હો ગયા હૈ તેમ કહી ફિરોજ અને તેની સાથેનો ઇસમ તેને માર મારવા લાગ્યો હતો.
આ દરમ્યાન બીજી એક કાર આવતા તેમાંથી ત્રણ ઈસમો ઉતર્યા હતા અને રવિને પકડી માર માર્યો હતો. રવિનો ભાઈ નીતિન તેને છોડાવવા વચ્ચે પડતા તેની સાથે પણ મારપીટ કરી હતી. ફિરોજે રવિ અને તેના ભાઈ નીતિનના માથામાં લાકડાના સપાટા મારતા બંને લોહીલુહાણ થઈ ગયા હતા. લોકો ભેગા થઈ જતા તમામ ઈસમો મારવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. બંને ભાઈઓને બારડોલી પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે. રવિએ સમગ્ર મામલે ફિરોજ ધોરાજી (રહે. લીનીયર બસ સ્ટેન્ડની સામે, બારડોલી) તેમજ અન્ય ચાર ઈસમો સામે ફરિયાદ કરતા બારડોલી ટાઉન પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.