બારડોલી: (Bardoli) 31મી ડિસેમ્બરની રાત્રે બારડોલી ટાઉન પોલીસે (Police) બીએસએનએલ (BSNL) ઓફિસ નજીક મહેફિલ માણતા ચાર નબીરાઓને ઝડપી પાડ્યા હતા. જો કે ચાર પૈકી એક નબીરાને રાજકીય નેતાના પુત્રની ભલામણથી છોડી મૂકવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આજ સુધી નાની નાની બાબતોમાં રાજકીય નેતાઓ ભલામણ લઈને આવતા હતા અને નેતાના પુત્રો પણ ભલામણ લઈને પીધેલાઓને છોડાવવાની કામગીરી શરૂ કરતાં તેઓ લોકોમાં હાસ્યાસ્પદ બની રહ્યા છે.
- બારડોલી ટાઉન પોલીસ મથકેથી રાજકીય નેતાનો પુત્ર એક પીધેલાને છોડાવી ગયો!?
- થર્ટી ફર્સ્ટની રાત્રે જલારામ મંદિર વિસ્તારમાં BSNL ઓફિસ નજીક પોલીસે રેડ કરી મહેફિલ માણતા ચાર નબીરાને ઝડપ્યા હોવાની વાત
- એક રાજકીય નેતાના પુત્રએ એક પીધેલાને છોડાવવા પોલીસ સ્ટેશન માથે લીધું, છોડાવી પણ ગયો, પોલીસ સમગ્ર મુદ્દે હાલ મૌન
- સમગ્ર પંથકમાં ચોરે ને ચૌટે એક જ ચર્ચા, ઘટના ટોક ઓફ ધી ટાઉન બની
ગત 31મી ડિસેમ્બરના રોજ જિલ્લાભરની પોલીસ દ્વારા ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દરમ્યાન બારડોલી ટાઉન પોલીસમાં ટાઉન બીટના એક કર્મચારીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલીના જલારામ મંદિર વિસ્તારમાં બીએસએનએલ ઓફિસ નજીક એક પાનના ગલ્લા પાસે ચાર નબીરાઓ વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી ચારેય નબીરાઓને ઝડપી લીધા હતા.
જો કે સમગ્ર હકીકતની જાણ બારડોલીના એક રાજકીય નેતાના પુત્રને થતાં તેમણે પોલીસમથક માથે લીધું હતું અને એક નબીરાએ છોડાવી જવામાં તેને સફળતા મળી હતી. મહેફિલ માણી રહેલા ચારેય એક સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવાની હકીકત પણ સામે આવી છે. એકને છોડી મૂક્યા બાદ અન્ય ત્રણ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મુદ્દે પોલીસ કંઈ પણ બોલવા તૈયાર નથી. રાજકીય નેતાઓ બાદ હવે તેમના પુત્રો પણ પીધેલાઓને છોડાવવા માટે પોલીસ સ્ટેશન પર દબાણ લાવતા હોવાથી સમગ્ર મુદ્દો ટોકઓફ ધી ટાઉન બન્યો હતો.