બારડોલી: (Bardoli) બારડોલીના સેજવાડ ગામે નેશનલ હાઇવે નં.53 પર સર્વિસ રોડ (Service Road) પરના અભાવે વધુ એક વાહનચાલક ભોગ બન્યો છે. મંગળવારે સેજવાડ ગામ નજીક રોડ (Road) ક્રોસ કરતી વખતે મોટરસાઇકલનો ચાલક વ્યારા તરફથી આવતી અન્ય મોટરસાઇકલ (Motorcycle) સાથે ધડાકાભેર અથડાતાં રોડ ક્રોસ કરી રહેલા મોટરસાઈકલ ચાલકનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું. જ્યારે તેની પાછળ બેસેલા બે યુવકને ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બારડોલી-વ્યારા જતાં નેશનલ હાઇવે નં.53 પર હાઇવે ઓથોરિટી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સર્વિસ રોડની સુવિધા આપવામાં આવી ન હોય વાહનચાલકોએ રોંગ સાઈડ વાહન ચલાવવા મજબૂર બનવું પડે છે. આથી વારંવાર અકસ્માત સર્જાય રહ્યા છે. અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે વધુ એક વ્યક્તિ સર્વિસ રોડના અભાવે અકસ્માતનો ભોગ બનતાં ગ્રામજનોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. બારડોલીના કરચકા ગામના વડ ફળિયા ખાતે રહેતા રામુભાઈ બાબરભાઈ હળપતિ (ઉં.વ.66) સુથારીકામ કરે છે. મંગળવારે તેઓ પોતાના ગામના સાગર અરવિંદ હળપતિ અને મેહુલ નરેશ હળપતિ સાથે મોટરસાઇકલ પર વાંકાનેર ગામે સુથારીકામ માટે ગયા હતા.
સાંજે 5.30 વાગ્યે કામ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા, એ સમયે સેજવાડ ગામની સીમમાં ઉવા કટ પાસે સર્વિસ રોડના અભાવે રોંગ સાઈડ આવી રોડ ક્રોસ કરતી વખતે વ્યારા તરફથી આવતી એક મોટરસાઇકલ સાથે તેમની મોટરસાઈકલ અથડાઇ ગઈ હતી. અકસ્માતમાં બંને મોટરસાઇકલ પર સવાર ચારેયને ઇજા થતાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રામુભાઈ હળપતિનું મોત થયું હતું. જ્યારે પાછળ સવાર સાગર અને મેહુલને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. અન્ય મોટરસાઇકલ સવાર નીરવ હસમુખભાઈ રાઠોડ (રહે.,ઇસરોલી, તા.બારડોલી)ને ગંભીર ઇજા પહોંચી હોવાથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માત થતાં ટ્રાફિકજામ
ભરૂચ: અંકલેશ્વરના જૂના નેશનલ હાઇવે ઉપર એસ.એમ.મોટર્સ સામે ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાતાં ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. અંકલેશ્વર-ભરૂચ જૂના હાઈવે ઉપર વાહનોનું ભારણ વધતા અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે બુધવારે અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપર એસ.એમ.મોટર્સ સામે આગળ પાછળ ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, ત્રિપલ અકસ્માતને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. અકસ્માત અંગે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવી વધુ તપાસ હાથ ધરી છે.