બારડોલી નગરપાલિકામાં બાંધકામ અને આકારણી બાબતે ભ્રષ્ટાચારના મામલે ગાંધીનગર વિજિલન્સની ટીમે ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા અને કર્મચારી પંકજ પટેલની પૂછપરછ શરૂ કરતાં પાલિકા પરિસરમાં તેમજ બાધકામ પરવાગની અને આકારણીમાં વહીવટ કરતાં વચેટિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બારડોલી નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી બાંધકામની પરવાનગી અને આકારણીને લઈને મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની બૂમ ઉઠી હતી.
અનેક ગેરકાયદે બાંધકામોની આકારણી કરી આપવા માટે વચેટિયાઓ મારફત મોટી રકમ ઉસેટવામાં આવતી હોવાના આક્ષેપો ભૂતકાળમાં થઈ ચૂક્યા હતા. દરમ્યાન આ મામલે ઉચ્ચ સ્તરે અનેક ફરિયાદ કરવામાં આવતા મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. જે આધારે ગાંધીનગરથી વિજિલન્સ અને સુરત પ્રાદેશિક મ્યુન્સિપલ કમિશ્નર કચેરીની ટીમ બારડોલી નગરપાલિકા પહોંચી હતી. જ્યાં તેમણે બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા, કર્મચારી પંકજ પટેલ તથા અન્ય કર્મચારીઓની બંધ બારણે પૂછપરછ શરૂ કરી હતી.
લગભગ ચાર કલાક સુધી બંધ બારણે પૂછપરછ ચાલતા નગરપાલિકાના કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાય ગયો હતો. એટલું જ નહીં નગરપાલિકામાં બાંધકામ પરવાનગી અને આકારણી કરાવવા માટે અધિકારીઓ સાથે મળી લાયઝનિંગનું કામ કરતાં કેટલાક વચેટિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જો કે અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો અને ફરિયાદ હોય કયા મુદ્દે તપાસ ચાલી રહી છે તે અંગે હજી સુધી તપાસ અધિકારીઓએ કોઈ ફોડ પાડ્યો ન હતો.