બારડોલી ડેપો દ્વારા મનમરજી મુજબ બસોનું સંચાલન થતું હોય શાળા કોલેજના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બારડોલીની છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કોલેજ આવવા જવા માટે સમયસર બસો ફાળવવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બારડોલી કોલેજમાં મહુવા તાલુકાનાં અનાવલ, વલવાડા, વહેવલ, ઉમરા, પુના, કરચેલીયા, કાછલ તથા બૌધાન, મોરદેવી વગેરે જેવાં ગામો તરફ જતી બસોનો સમય બદલી નાખવામાં આવતા વિદ્યાર્થીઓને આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે. કોરોના સમય પહેલા યોગ્ય રીતે બસોનું સંચાલન થતું હતું.
પરંતુ ઘણા લાંબા સમયથી આ રૂટોની બસ અનિયમિત ચાલતી હોય નોકરિયાતવર્ગ અને વિદ્યાર્થીઓને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આથી સમયસર અને યોગ્ય સમયે બસો ચલાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ બારડોલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.