દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુગર ફેક્ટરીઓ જીવાદોરીસમાન માનવામાં આવે છે. અને આ વર્ષે પણ 1લી સપ્ટેમ્બરથી ખેડૂતો શેરડીના રોપાણની કામગીરીમાં જોતરાઈ ગયા છે. ત્યારે એશિયાની નંબર-1 ગણાતી બારડોલી સુગર ફેક્ટરીમાં પહેલા દિવસે જ 2800 એકર શેરડીનું રોપાણ નોંધાયું છે. જ્યારે મઢી સુગર ફેક્ટરીમાં 25 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 5000 એકરથી વધુ શેરડીનું રોપાણ થયું હોવાનું જાણવા મળે છે. ત્યારે દક્ષિણ ગુજરાતની મહુવા, ગણદેવી, ચલથાણ, સાયણ, કામરેજ, નર્મદા, પંડવાઈ સુગર ફેક્ટરીના કાર્ય વિસ્તારના ખેડૂતોએ પણ શેરડી રોપણી શરૂ કરી દીધી છે.
છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લેતાં બારડોલી સુગર ફેકટરીના કાર્યવિસ્તારમાં એક જ દિવસની અંદર અંદાજિત 2800 એકર જેટલી શેરડીનું રોપાણ થઈ ચૂક્યું હોવાનું જાણવા મળે છે. બીજી તરફ જેમ ઉઘાડ દેખાતા ખેડૂતો શેરડીની રોપણી કાર્યમાં મંડી પડેલા જોવા મળે છે. બારડોલી સુગર ફેક્ટરી દ્વારા ખેડૂતોને 1લી સપ્ટેમ્બરથી શેરડી રોપણી માટે મંજૂરી આપવામાં આવતાની સાથે સુગરના જુદા જુદા કાર્ય વિસ્તારનાં ગામોમાં ખેડૂતોએ એક દિવસની અંદર 2800 એકર જેટલી શેરડીની રોપણી કરી દીધી છે. જેમાં ખેડૂતોએ શેરડીની અલગ અલગ જાતોનું વાવેતર કર્યું છે.
આમ તો ખેડૂતો ખાસ કરીને નવેમ્બર, ડિસેમ્બર માસમાં શેરડીની રોપણી કરતા હોય છે. પરંતુ જે ખેડૂતોએ શેરડી રોપવા માટે ચોમાસા દરમિયાન ખેતરો ખાલી જેમાં લીલો પડવાશ કર્યો હોય કે સદંતર ખાલી રાખ્યા હોય એવા ખેડૂતોએ સુગરની 1લી સપ્ટેમ્બરની માન્યતાનો સમયગાળો આવતા શેરડીનું વાવેતર કરતા હોય છે. હાલમાં જાણે મેઘરાજાએ પણ શેરડી રોપનાર ખેડૂતોને સાથ આપતા હોય એમ કેટલાક દિવસથી આરામ ફરમાવી માંડ છૂટોછવાયો વરસાદ આવતાં શેરડી રોપણી માટે વાતાવરણ માફક આવતાં શેરડી રોપનાર ખેડૂતોની આશા ખરેખર ફળીભૂત થઈ છે. જ્યારે મઢી સુગર ફેક્ટરીના કાર્ય વિસ્તારમાં 25 ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર સુધીમાં 5000 થી વધુ એકરમાં શેરડીનું રોપાણ થઈ ચૂક્યું હોવાનું જાણવા મળે છે.
ધરતીપુત્રો આ માટે શેરડી રોપવાની ઉતાવળ કરે છે
ખેડૂતો સપ્ટેમ્બર માસમાં શેરડી રોપી સુગરમાં વહેલી નોંધણી કરાવે એવા ખેડૂતોની શેરડીનું કટિંગ જલદી થતું હોય છે. જે શેરડી પહેલા વર્ષે જલદી રોપણી થઈ હોય એવા ખેડૂતોને ત્રણે ત્રણ વર્ષ રોપાણ અને લામ શેરડીનું કટિંગ જલદી પણ પાછળથી શેરડીમાં રોગ આવવો, ઉંદરો દ્વારા બગાડ થવો કે પિયત જેવા અનેક પ્રશ્નો ઊભા થાય એ પહેલાં શેરડીનું કટિંગ થતાં મોટી રાહત થતી હોય છે. જેના કારણે ખેડૂતો
સપ્ટેમ્બર માસમાં જલદી શેરડી રોપવા તલપાપડ બનતા હોય છે.
વરસાદી ઝાપટાં સાથે તડકો પડતાં ખેડૂતોને કુદરતનો સાથ મળી રહ્યો છે
ચોમાસાની સિઝનમાં સપ્ટેમ્બર મહિનામાં સારો એવો વરસાદ થતો હોય છે. પરંતુ આ વર્ષે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય એમ ઉઘાડ થતાં શેરડી રોપનાર ખેડૂતો માટે વાતાવરણ સારું માનવામાં આવી રહ્યું છે. જો સતત વરસાદ રહે તો શેરડી સારી ઊગતી નથી. ત્યારે હાલ વરસાદી ઝાપટાં પડવા સાથે તડકો પણ પડી રહ્યો છે. જેથી શેરડી રોપનારા ખેડૂતોને કુદરતનો સાથ મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
રોપણી બાદ ખેડૂતો તેની નોંધણી કરાવવામાં વ્યસ્ત
સુગર દ્વારા 1લી સપ્ટેમ્બરથી શેરડી રોપણીની મંજૂરી આપતા ખેડૂતો રોપણી કાર્યમાં જોતરાયા છે. અને રોપણી કર્યા બાદ તેની નોંધણી કરાઈ છે અને શેરડી રોપતા માપણી સુપરવાઈઝર અને ઝોન સુપરવાઈઝર ખેતરની તરત મુલાકાત લઈ રહ્યા છે.
બારડોલી સુગર ફેક્ટરી પાસે શેરડીની 21 જાત છે
બારડોલી સુગર સુગર ફેક્ટરી પાસે સારી ખાંડ આપતી 21 જાત પૈકી જે ઓક્ટોબરમાં રોપણીની મંજૂરી આપી હોય, એમાં સુધારો કરી સપ્ટેમ્બરમાં રોપણી કરવાની મંજૂરી આપતાં, આવી જાત રોપતાં ખેડૂતો પહેલાથી તૈયારી કરી સપ્ટેમ્બરમાં રોપણી કરતા થયા હોવાનું જાણવા મળ્યું છે.