Columns

બારણું… ગૃહપ્રવેશનું ટોલ ફ્રી બુથ

માનવીના ગુફાવાસ દરમ્યાન બારણું તો હતું, જેથી તે અંદરબહાર આવજા કરી શકે. સિવિલાઈઝેશનની સાથે આ જ બારણું અપગ્રેડ થઈને ઝૂંપડીનું ફાટક, ઘરનું દ્વાર, ડેલીનું કમાડ, ફ્લેટનો મેન ડોર, મહેલનો દરવાજો અને ગામનું પ્રવેશદ્વાર થઇ ગયું. આમ તો દુનિયામાં ઘણા બધા દ્વાર એક મોન્યુમેન્ટ તરીકે પ્રખ્યાત છે પણ બે પ્રવેશદ્વારનો ઉલ્લેખ જરૂરી છે અને રસિક પણ છે. એક મુંબઈનું ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’ જે આપણે ઈંગ્લેન્ડના ગુલામ હતા ત્યારે અંગ્રેજોએ તેમની રાણીના ભારતપ્રવેશ માટે ખાસ બનાવ્યું હતું. આઝાદ થયા પછી તે મુંબઈની આઇકોનિક ઓળખ બની ગયું છે.

બીજું પેરિસનો એફિલ ટાવર. લોખંડની શોધ થયા પછી પેરિસમાં એક વૈશ્વિક ઔદ્યૌગિક પ્રદર્શન દરમ્યાન લોખંડથી શું શું થઇ શકે તેના એક સેમ્પલ તરીકે તે પ્રદર્શનના એન્ટ્રી પોઈન્ટ તરીકે બનાવેલું, જે એક્સપો પત્યા પછી તેને ડીસ્મેન્ટલ કરવાનું હતું. પ્રદર્શન જોવા આવેલી દરેક વ્યક્તિને તે એટલું પસંદ પડ્યું કે તેમના બહુમતી મતથી તેને જાળવી રાખવાનું નક્કી કર્યું. મુસ્લિમ રાજાઓએ તેમના શાસનકાળ દરમ્યાન તેમના કિલ્લામાંથી જુદી જુદી દિશામાં આવવા – જવા માટે ખાસ કલાત્મક ગેટ્સ બનાવતા, જે આજના ઘણા શહેરોમાં જોવા મળે છે. આપણા અમદાવાદમાં જ આવા 12 દરવાજા હતા, જેમાં 3 દરવાજા, દિલ્લી દરવાજા, જમાલપુર દરવાજા, રાયપુર દરવાજા વગેરે એક શિલાલેખની જેમ અડીખમ છે.

દરેક ઘરમાં બારણું બારસાખની ફ્રેમમાં અને બારણાના સિંગલ કે ડબલ દરવાજા તેમાં મિજાગરાથી ફીટ થાય છે. બારણું હંમેશાં એન્ટ્રી કે એક્ઝિટ માટે તો હોય છે પણ . મેન ડોરને બહારથી બંધ કરવા તેની મધ્યમાં જમણી કે ડાબી બાજુ 2 – 3 કન્સિલ્ડ લોકસ એક મજબૂત આગળાની ઉપરનીચે બ્લેક કેટ કમાન્ડોની જેમ ફીટ કરાવાય છે. બારણું ઓટોમેટીક બંધ થાય તે માટે ડોર કલોઝર અને અંદરથી બંધ કરવાની સ્ટોપર તેના ટોપ લેવલે હોય છે. આ બારણું ઊભા ઊભા બોર ના થાય એટલેà તેને કંપનીમાં એક ગ્રીલવાળી પાતળી બારણી ગર્લ ફ્રેન્ડની જેમ આગળ કે પાછળ વળગાવાય છે, જે પ્રોટેકશન માટે હોય છે. બેલ વાગે અને તમે બારણું ખોલો અને કોઈ અજાણ્યો અચાનક ઘરમાં ઘુસી ના જાય તે માટે તમે ગ્રીલ્ડ બારણાંમાંથી બહાર જોઈ શકો.

મેન ડોરની એક બાજુ ડોરબેલ વગાડવાનું એક કિંગ સાઈઝ બટન સ્વીચ બોર્ડમાં લાગેલું હોય છે. તેની બાજુમાં જ મકાન માલિકનું નામ માલકણના નામની નીચે ડેકોરેટીવ ફ્રેમમાં તેમની આત્મનિર્ભર ઓળખ આપે છે. બારણું બંધ હોય અને કોઈ મહેમાન આવે તો યજમાનને ખબર આપવા તેમના હાથમાં મોબાઈલમાં વૉટ્સ એપમાં અપડેટ જોતા જોતા તે બેલ મારે છે. મેન ડોર તો પછી ખૂલે છે, પણ તેનો ડોરબેલનો અવાજ અંદરના બધા રૂમોના બંધ બારણાં ખોલાવી દે છે. યજમાન અને તેના કુટુંબીજનો પોતપોતાના રૂમમાંથી બહાર આવીને મેન ડોર તરફ જાય છે. જેનો રૂમ નજીક હોય તે જલ્દી પહોંચીને મેન ડોર અંદરની બાજુ ખોલે છે. જાણીતા મહેમાન હોય તો અંદર આવવા આવકાર અપાય છે. જો ઓનલાઈન શોપિંગવાળો કે ફૂડ ડીલીવરીવાળો હોય તો બહાર વરંડામાં જ પેકેટ લેવાનો અને કેશ આપવાનો વાટકી વહેવાર થઇ જાય છે.

અમુક નસીબદાર બારણાંમાં 4 – 5 ફૂટની ઊંચાઈએ એક કી હોલ હોય છે. બારણું ખોલતા પહેલાં યજમાન આ કી હોલમાંથી બહાર કોણ આવ્યું છે તે જુએ છે. તેને તો બહારના લગભગ 4 Sq.fit. એરીયાની ગતિવિધિ દેખાય છે. કેટલાક મહેમાનો બારણું જલ્દી ના ખૂલતા પેલા કી હોલમાંથી અંદર ઝાંકવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે કેમ કે તેને તો કાંઇ દેખાવાનું નથી. જો કે તે વખતે પેલા યજમાનને તેમની કીકીમાંથી રેટીના દેખાઈ જાય છે. બારણાની ચાવી ટ્રિપલેટ કે કવોડુપલેટની જેમ લોક સાથે આવે છે. તેમની 1 – 1 ચાવી પતિ – પત્ની પાસે, એક વિશ્વાસુ પાડોશી પાસે અને એક નજીકમાં રહેતા ભાઈ કે સાળાને ત્યાં હોય છે. કૂંડા નીચે કે પગલૂછણિયાની નીચે રખાતી ચાવી માત્ર બોલિવૂડની ફિલ્મોમાં સીમિત થઈ ગઈ છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મેન ડોર પૂર્વ કે પશ્ચિમમાં હોય તો તે ઉત્કૃષ્ટ છે પણ અંદરના બીજા રૂમોના બારણાંઓનું શું? તે તો કોક ઉત્તરમાં કે કોક દક્ષિણમાં ખૂલતું હોય છે. તો તેના માટે વાસ્તુશાસ્ત્રીઓ જુગાડ કરતા હોય છે. તે બેડરૂમમાં તોડફોડ નહિ કરાવતા સલાહ આપે છે કે તમારા બેડરૂમનું બારણું ઉત્તર કે દક્ષિણ દિશામાં ખૂલ – બંધ થાય છે, તો તમારા બેડની ડીરેકશન પૂર્વ – પશ્ચિમમાં કરો. આવું કરવાથી તમને ઊંઘ સારી આવશે કે તમારી ઉંમર પ્રમાણે તમને રેખા -હેમા, સુસ્મિતા – ઐશ્વર્યા, માધુરી – શ્રીદેવી, કેટરીના – સોનાક્ષી, આલિયા – તાપસીના સપના સારા આવશે કે નહીં તેનો કોઈ ફોડ થતો નથી. આ બધી હિરોઈનનો એક – એક ગુણ પણ જો તમારી પત્નીમાં જોશો તો તમારું દામ્પત્યજીવન જ સપના જેવું લાગશે. લગ્ન કરીને નવોઢાના ઘરપ્રવેશ વખતે બારણાની બાજુમાં થતી તેના બે હાથની કંકુ છાપ એ ભાવિ લગ્નજીવનનો હસ્તાક્ષર છે. બારણા ઉપરની કેટલીક કહેવતો ટૂંકમાં ઘણું કહે છે. ‘બારણા ઉઘાડા ને ખાળે ડૂચા’ -ખોટી કરકસર કરવી, ‘બારણું કાળું કરવું’ – ગુસ્સામાં ઘરમાં જવું, ‘બારણે દીવો રહેવો’ – ઘરનો વંશ રહેવો, ‘બારણે હાથી ઝૂલવા’ – પુષ્કળ ઠાઠમાઠ હોવો, ‘બારણે બેસવું’ – ઉઘરાણી કરવી, ‘બારણે થવું’ – સ્ત્રીનો ઋતુપ્રવેશ…

Most Popular

To Top