વિરસદ : બોરસદ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી ભારે રસાકસીભરી રહી હતી. જેનું પરિણામ શુક્રવારના રોજ જાહેર થયું હતું. બોરસદ બાર એસોસિયેશનની રસાકસીભરી ચુંટણીમાં પ્રમુખ તરીકે કિરણભાઈ તપોધન ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. પ્રમુખ તરીકે વિજેતા બનેલા નોટરી એડવોકેટ કિરણભાઈ પોતાના સમર્થકો સાથે વિજયની ઉજવણી કરી હતી. આ ઉજવણી દરમિયાન નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના નવીનતમ કાર્યાલય રામોજી આર્કેડ, આણંદ ચોકડી બોરસદ ખાતે પહોંચ્યા હતા. આ કાર્યાલય ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ધરમદેવસિંહ ડાભી, શહેર ભાજપ પ્રમુખ દિપકભાઈ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ મહીડા, અગ્રણી ધારાશાસ્ત્રી નટુભાઈ ઠાકોર, આઇ જી. મલેક સહિત બોરસદ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ જગદીશભાઈ રાઠોડ, મંત્રી પિયુષભાઈ પરમાર સહિત આગેવાનોએ સ્વાગત કરી સન્માન કર્યું હતું. તેમજ પ્રમુખ તરીકે વિજેતા બનવા બદલ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
બોરસદ બાર એસોસિયેશનની ચુંટણી માટે 185 મતદારોમાંથી કુલ 158એ મતદાન કર્યું હતું. બાદમાં ચુંટણી અધિકારી અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી અશોકભાઈ ઠાકોર, બકુલભાઈ પારેખની કામગીરી હેઠળ મત ગણતરી હાથ ધરી હતી. આ રસાકસીભરી ચૂંટણીમાં પ્રમુખ પદના બે હરીફ ઉમેદવાર પૈકી કિરણભાઈ તપોધનને વધુ મત મળતાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઉપપ્રમુખ પદે યતીનકૂમાર દિનેશભાઇ શાહ અને સેક્રેટરી તરીકે કમલેશકુમાર અંબાલાલ રાણા જાહેર કરાયા હતા.