SURAT

બપ્પાની વિદાય: મગદલ્લા હજીરા ખાતે મોડી રાત સુધી વિસર્જન માટે લાઈનો લાગી

સુરતમાં મોડી રાત સુધી ગણેશ વિસર્જન ચાલ્યું હતું. વિસર્જન યાત્રામાં મોડે મોડે જોડાવાના સુરતીઓના ટ્રેન્ડને કારણે રાત્રે ઓવારાઓ પર મોડે સુધી વિસર્જન ચાલતું રહ્યું હતું. રાત્રે 9 વાગ્યા સુધીમાં 70 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયુ હતુ જેમાં 8000 મોટી અને 62 હજારથી વધુ નાની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. વિસર્જન ઝડપથી પુરું થાય તે માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરાયા હતા જોકે હજીરા અને મગદલ્લા ખાતે લાંબી લાઈનો લાગી હતી. હજીરા ખાતે રાત્રે 2 કિલોમીટર લાંબી લાઈનમાં ઉભા રહી ગણેશ ભક્તો વિસર્જનની રાહ જોતા રહ્યા હતા.

શહેરના 21 કૃત્રિમ ઓવારાઓ પર રાત્રે વાગ્યા સુધીમાં 62 હજારથી વધુ નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. બીજી તરફ સમુદ્ર સાથે જોડાયેલા 3 ઓવારાઓ પર 10-15 ફૂટ કે તેથી મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. અહીં રાત્રે 9 વાગ્યા સુધી 8000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થયું હતુ. ડુમસના ઓવારા અને હજીરા ઓવારા ખાતે ગણેશ મંડળોના વાહનોની લાંબી લાઈનો લાગી હતી. અહીં પોતાનો નંબર આવવાની રાહ જોતા લોકો રસ્તા પર બેસી ગયા હતા. જેટી ખાતે ભારે ભીડ જામતા પોલીસ દ્વારા સલામતીના પગલા રૂપે લોકોને દૂરથી જ રોકી દેવાતા હતા. ક્રેન દ્વારા બપ્પાના વિસર્જનની પ્રક્રિયામાં સ્વયં સેવકોએ ખડે પગે સેવા આપી હતી.

ઓવારા પર કેટલી પ્રતિમાઓનું વિસર્જન?
મગદલ્લા ઓવારા પર 3000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. બીજી તરફ ડુમસ નાવડી ઓવારા પર 1500 થી વધુ અને હજીરા જેટી પર 3000થી વધુ પ્રતિમાઓનું રાત્રે 9 વાગ્યા સુધીમાં વિસર્જન કરાયું હતું.

ઝોન અનુસાર વિસર્જનના આંકડા
રાત્રે 9 વાગ્યા સુધીમાં લિંબાયત ઝોનમાં સૌથી વધુ 26 હજાર પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. કતારગામ ઝોનમાં 12 હજારથી વધુ, વરાછામાં 14600 પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે. ઉધના ઝોનમાં 7 હજારથી વધુ અને રાંદેર ઝોનમાં 6 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે. અઠવા ઝોનમાં 4 હજારથી વધુ અને સેન્ટ્રલ ઝોનમાં 600 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતુ.

Most Popular

To Top