નડિયાદ: નડિયાદ નગરપાલિકાના સેનેટરી વિભાગે સ્વચ્છતા સર્વેક્ષણ-2023 અંતર્ગત આજે ગંજ બજારની એક મોટી દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં 100-200 કિલો નહીં, પરંતુ 1300 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી પાડ્યુ છે. તેમજ એકમના માલિકને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. સરકાર દ્વારા મહાત્મા ગાંધી સ્વચ્છત મિશન અભિયાન જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ સ્વચ્છ સર્વેક્ષણ-2023ની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત નડિયાદ નગરપાલિકાના સેનેટરી વિભાગના ઈ.ચા. ચીફ સેનેટરી ઈન્સપેક્ટર મંયકભાઈ દેસાઈ દ્વારા પોતાના સ્ટાફ સાથે ગંજ બજારની દુકાન નં. 56 મહાલક્ષ્મી કટલરીના માલિક શ્યામભાઈ અલવાણી ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
જ્યાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો મળી આવ્યો હતો. સેનેટરી વિભાગે 100-200 નહીં પરંતુ 1300 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે. જેની અંદાજીત કિંમત 1.30 લાખ જેટલી રકમ થાય છે. આ જથ્થો દુકાનના ઉપરના માળેથી નગરપાલિકાના ટ્રેક્ટરમાં જથ્થો ભરવામાં આવ્યો હતો. જ્યાં ટ્રેક્ટર ભરીને પ્લાસ્ટિકનો જથ્થો એકત્ર થયો હતો. આ જથ્થો જપ્ત કરી અને સનેટરી વિભાગે 10 હજારનો દંડ દુકાન માલિક શ્યામભાઈ અલવાણીને ફટકાર્યો હતો. નગરપાલિકાની આ કાર્યવાહીથી પ્લાસ્ટિકનો જથ્થો વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.