Charchapatra

દિવાળીએ બેન્કોએ ગ્રાહકોને નવી નોટ આપવી જ જોઈએ

દિવાળીમાં વિશેષ કરીને સુરતમાં નવી નોટો મેળવવા અંગેનો એક વિશેષ પ્રેમ જોવા મળે છે પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી સુરતની કેટલીક સરકારી અને કો.ઓપરેટીવ બેન્કોમાં પહેલાંથી એવું બોર્ડ લગાડવામાં આવે છે કે આર.બી.આઈ. તરફથી  નવી નોટો આવી નથી માટે એ અંગે ગ્રાહકોએ કોઈ પ્રશ્ન પૂછવો નહીં ! હવે હકીકત જાણીએ તો દિવાળીમાં વિશેષ કરીને ગુજરાતમાં આર.બી. આઈ તરફથી તમામ નવી ચલણી નોટો તમામ બેન્કોને આપવામાં આવે છે.  પરંતુ ખૂબ અલ્પ સંખ્યામાં  ગ્રાહકોને આ નવી ચલણી નોટો મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને એમાં પણ 10 નાં નવાં બંડલો તો તમામ બેન્કોમાંથી અદૃશ્ય થઈ જાય છે તો આ અંગે ગુજરાત પ્રદેશના આર.બી.આઈ.નાં સત્તાધીશો ગ્રાહકોના હિતનું ધ્યાન રાખી વિશેષ કરીને દિવાળીમાં તમામ ગ્રાહકોને નક્કી કરેલા ધારાધોરણ મુજબ તેવી ચલણી નોટો મળે એ અંગે જરૂરી તપાસ અને કાર્યવાહી કરવી જ જોઈએ.
સુરત     – રાજુ રાવલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

દિવાળીનો સુરતી નાસ્તો
દિવાળી પહેલાં ઘરની સાફસફાઈ થઈ ગઈ છે.દિવાળીમાં સુરતી નાસ્તાની વિશેષતા છે.જે આજે પણ ખાવાના શોખને જાળવી રાખ્યો છે.એકાદશીના દિવસથી દિવાળીના નાસ્તા બનાવવાની શરૂઆત થાય.જેમાં વિવિધ પ્રકારનાં ફરસાણ હોય છે.મેંદામાંથી બનતી સુંવાળીનો સ્વાદ અનેરો,ચણાના લોટથી બનતા થાપડા ખાવાનો થનગનાટ કંઈ અલગ હોય,રવા મેંદાનાં ખારાં-મીઠાં સક્કરપરા તો સુરતીઓની શાન છે. રવામેંદાથી બનતી અને વેલણથી ગોબા પાડી બનાવવામાં આવતી પીળી ગોબાપુરી તો ચાહ સાથે આરોગવાની મજા કંઈ અનોખી.ચોળાફળી અને મઠિયાં સુરતીઓનું માનીતું ફરસાણ.લાલ મરચાંની ભૂકી અને લીંબુવાળાં ગાંઠિયાનો તો ગજબનો સ્વાદ.ફરસાણ સાથે મીઠાઈમાં ઘૂઘરા અને મોહનથાળમાં સુરતી મીઠાશ જોવા મળે.  સુરતીઓએ શુદ્ધ ઘી ની નાનખટાઈ પડાવવાની  પરંપરા હજુ પણ જાળવી રાખી છે. બેકરીઓમાં નાનખટાઈ પડાવવા માટે બહેનોની લાઇન લાગે છે.ધનતેરસે લાપસી અને શિરાનો પ્રસાદ હોય અને દિવાળીના દિવસે બપોરે ચોળાની દાળ અને અડદની દાળનાં વડાં ખાવાની પરંપરા યથાવત્ છે. અસ્સલ સુરતી દિવાળીના નાસ્તાનો સ્વાદ માણવો હોય તો કોઈ સુરતીના ઘરે નવા વર્ષમાં સાલમુબારક કરવા જવું પડે.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top