નવી દિલ્હી: મોદી સરકારે સમાજના નીચલા વર્ગને બેંકિંગ સેવાઓ (Banking service) સાથે જોડવા માટે વર્ષ 2014માં જનધન ખાતા ખોલવાનું શરૂ કર્યું હતું. મોદી સરકારે દેશભરના કરોડો લોકોના જનધન ખાતા ખોલવાનું શરૂ કર્યું હતું. હાલ પણ આ પ્રક્રિયા ચાલી રહી છે. જો કે હવે આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડએ જણાવ્યું હતું કે 30 નવેમ્બર સુધી દેશમાં લગભગ 47.57 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાંથી 38.19 કરોડ કાર્યરત છે જ્યારે 10.79 લાખ ડુપ્લિકેટ છે. એટલે કે ધણાં બધાં ખાતા ખોટી રીતે ખોલવામાં આવ્યા છે. આના જવાબમાં બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે સરકાર આગામી દિવસોમાં આ અંગે પગલાં લેવાનું શરૂ કરી શકે છે. જેમણે ખોટી રીતે એક કરતાં વધુ ખાતા ખોલ્યા છે તે લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) માર્ગદર્શિકામાં જનધન ખાતાધારકોને રૂપે ડેબિટ કાર્ડ અને જનધન ખાતાધારકોને બેંકો દ્વારા રૂપે ડેબિટ કાર્ડ જારી કરવાની સતત પ્રક્રિયા છે. તેમણે માહિતી આપી હતી કે બેંકો દ્વારા જાણ કરવામાં આવ્યા મુજબ એવા 19.90 કરોડ ખાતાધારકો છે જેમની પાસે ડેબિટ કાર્ડ નથી અને 4.44 કરોડ ખાતાધારકોએ તેમના PMJDY રૂપે કાર્ડનું નવીકરણ કરાવ્યું નથી. આરબીઆઈએ નાણાકીય સાક્ષરતા કેન્દ્રો (એફએલસી) અને બેંકોની ગ્રામીણ શાખાઓને જિલ્લા/પંચાયત અથવા ગ્રામ્ય સ્તરે ગ્રામીણ સ્તરના હિતધારકોના સહયોગથી ગ્રાહકો માટે આઉટડોર નાણાકીય સાક્ષરતા શિબિરો યોજવાની સલાહ આપી છે. આરબીઆઈ લક્ષિત પ્રેક્ષકો માટે વિશિષ્ટ શિબિરોનું પણ આયોજન કરે છે જેમાં મહિલાઓ, ખેડૂતો, નાના ઉદ્યમીઓ, સ્વ-સહાય જૂથો, વરિષ્ઠ નાગરિકો વગેરેનો સમાવેશ થાય છે.
જણાવી દઈએ કે મોદી સરકારે સમાજના નીચલા વર્ગને બેંકિંગ સેવાઓ સાથે જોડવા માટે જનધન ખાતા ખોલવાનું શરૂ કર્યું હતું. આ ખાતા હેઠળ 1 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર પણ ઉપલબ્ધ છે. આ સાથે 30,000 રૂપિયાનો સામાન્ય વીમો પણ આપવામાં આવે છે. આ ખાતાની ખાસ વાત એ છે કે તેમાં મિનિમમ બેલેન્સ રાખવુ પડતું નથી. એટલે કે ઝીરો બેલેન્સ રાખવા માટે બેંકો ચાર્જ વસૂલતી નથી. આ સાથે 10,000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે. રૂપે કાર્ડ રોકડ ઉપાડ અને ખરીદી માટે આપવામાં આવે છે. તેને ખોલવા માટે બેંકમાં કોઈ રકમ જમા કરાવવાની જરૂર નથી.