Business

બેન્કનું કામ હોય તો આજે જ પતાવી દેજો, આગામી 9 દિવસમાંથી 7 દિવસ બેન્ક બંધ રહેશે

સુરત: (Surat) કેન્દ્ર સરકારના મજૂરવિરોધી કાયદાઓ અને ખાનગીકરણની નીતિના વિરોધમાં સ્ટેટ બેન્ક સિવાયની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો, એલઆઇસી, જીઆઇસી, 10 કેન્દ્રીય મજૂર સંગઠનો અને સ્વાયત મજૂર સંગઠનો સહિત બેન્કિંગ યુનિયનો દ્વારા તા.28-29 માર્ચના રોજ બેદિવસીય હડતાળનું (Bank Strike) એલાન આપવામાં આવ્યું છે. આ હડતાળ તા.28 અને 29 માર્ચે સોમવારે અને મંગળવારે રહેશે. એ પહેલાં ચોથા શનિવાર અને રવિવારની રજા હોવાથી સતત બીજા વર્ષે નાણાકીય વર્ષના ક્લોઝિંગ સમયે બેન્કિંગ વ્યવહાર ખોરવાશે. આવતીકાલે શુક્રવારે નાંખેલો ચેક છેક ગુરુવારે પાસ થશે. ચોથા શનિવાર અને રવિવારે બેન્ક બંધ રહેશે અને સોમવાર, મંગળવારના ઉઘડતા દિવસે બેન્કકર્મી હડતાળ પર જતાં લોન ફાળવણી, વસૂલાત, સબસિડી રિલીઝ અને ટ્રાન્ઝેક્શનને વ્યાપક અસર થશે. રાષ્ટ્રીયકૃત બેંકોના સંગઠન ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયને ટેકો જાહેર કર્યો છે.

  • ખાનગીકરણ અને મજૂર વિરોધી કાયદાઓનાં વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની તા.28,29 માર્ચની દેશવ્યાપી હડતાળથી ફાયનાન્સિયલ યરના ક્લોઝિંગને અસર થશે
  • સ્ટેટ બેન્ક સિવાયની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો, એલઆઈસી, જીઆઈસીના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાશે
  • ચોથા શનિવાર અને રવિવારે બેન્ક બંધ રહેશે અને સોમવાર, મંગળવારના ઉઘડતા દિવસે બેન્કકર્મી હડતાળ પર જતાં લોન ફાળવણી, વસૂલાત, ટ્રાન્ઝેક્શનને વ્યાપક અસર થશે

યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણી અને સંગઠન મંત્રી વસંત બારોટે જણાવ્યું હતું કે, આ હડતાળમાં સુરત સહિત ગુજરાતની રાષ્ટ્રીયકૃત બેંકોના 20,000 કર્મચારીઓ જોડાશે. યુનિયને સરકાર કોર્પોરેટ સેક્ટરના ઈશારે મજૂર અને બેન્કિંગ સેક્ટરમાં સુધારાઓ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આવતીકાલે હડતાળને જડબેસલાક બનાવવા સુરતમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલની બેન્કિંગ સંગઠનો સાથે બેઠક યોજશે.

તમને જણાવી દઈએ કે 26 માર્ચે ચોથા શનિવારની જ્યારે 27 માર્ચે રવિવારના લીધે બેન્કો બંધ છે. જ્યારે 28 અને 29 માર્ચના રોજ બેન્ક કર્મીઓ હડતાળ પર ઉતરવાના હોવાથી સળંગ ચાર દિવસ બેન્ક બંધ રહેશે. ત્યાર બાદ 30 અને 31 માર્ચના રોજ બેન્ક ચાલુ રહેશે પરંતુ ત્યાર બાદ 1 એપ્રિલે એન્યુઅલ ક્લોઝિંગ, 2 એપ્રિલે ગુડી પડવો અને 3 એપ્રિલના રોજ રવિવારની રજા રહેશે. આમ, આવનારા આખાય અઠવાડિયામાં માત્ર 2 જ દિવસ બેન્ક ખુલશે.

બેંક કર્મચારીઓ અને મજૂર સંગઠનોની મુખ્ય માંગણીઓ

  • બેંકોના ખાનગીકરણની નીતિને રોક લગાવો.
  • નવી પેન્શન યોજના નાબૂદ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવી.
  • બેંક ઉદ્યોગમાં બાકી દેવાદારોની બિન ઉત્પાદક અસ્ક્યામતોની પૂરેપૂરી વસૂલી કરવી. હેરકટને નામે 5 ટકાથી 95 ટકા સુધીની રકમ વસૂલાત વખતે જતી નહીં કરવી.
  • બાકી દેવાની માંડવાળ નહીં કરવી.
  • મજૂર કાયદામાં સુધારો કરવા સરકાર વિચારે છે તે સુધારા નાબૂદ કરવા.
  • લોકોની આવકમાં ઘટાડો થયો છે. ભૂખમરાની વધતી તીવ્રતાની આગ શ્રમિક વર્ગને દઝાડી રહી છે. વિશ્વમાં ભૂખમરાના આંકમાં 107 દેશમાં ભારતનો નંબર 101 પર છે.
  • આવકવેરા ભરવાપાત્ર ન હોય તેવી વ્યક્તિ-ઘરને ઓછામાં ઓછું રૂ.7500નો ટેકો આપવો અને નિઃશુલ્ક રેશન આપવાની વ્યવસ્થા કરવી. -યુવા વર્ગને નોકરી અને બેરોજગારી ઉપર અંકુશ લાવવો.

Most Popular

To Top