SURAT

બેન્ક ઓફ મહારાષ્ટ્રના કર્મચારીઓ આ માંગણી માટે હડતાળ પર ઉતર્યા

સુરત: બેન્ક ઓફ મહારાષ્ટ્રના કર્મચારીઓ ગુરુવારે તા. 9 ફેબ્રુઆરીના રોજ દેશવ્યાપી હડતાળ પર ઉતર્યા હતા. સુરતમાં બેન્કની એલપી સવાણી રોડ ખાતે આવેલી મુખ્ય શાખા પર કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવી ધરણાં પ્રદર્શન કરી બેન્ક મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરનાર કર્માચારીઓની મુખ્ય માંગણી ભરતી અંગેની છે.

આજે બેંક ઓફ મહારાષ્ટ્રની 2200 જેવી શાખા ના લગભગ 13000 કર્મચારીઓ મુખ્યત્વે તમામ કેડર માં પર્યાપ્ત કર્મચારીઓ ની ભરતીની માંગ માટે દેશ વ્યાપી હડતાળ કરી હતી. યુનિયનની દલીલ મુજબ 1000 ક્લાર્ક અને એટલી જ સંખ્યામાં અધિકારીઓ ની ભરતી કરવાની જરૂર છે. પાર્ટ ટાઇમ સબ સ્ટાફની કેડર નાબૂદ કરવાના બેંકના નિર્ણયની યુનિયને ગંભીર નોંધ લીધી છે.

બેંક મેનેજમેન્ટ નોકરીઓની આઉટસોર્સિંગ કરી રહ્યુ છે, જે યુનિયનના જણાવ્યા મુજબ ઉદ્યોગ વ્યાપી સમાધાનનું ઉલ્લંઘન છે, કારણ કે તે નિયમિત પ્રકારની નોકરીઓની જગ્યાઓ છે. બેંકના બોર્ડમાં કર્મચારીઓ અને અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરનાર સભ્ય નથી જેની ગેરહાજરીમાં મેનેજમેન્ટ કર્મચારી લક્ષી તમામ નિર્ણય એકપક્ષી લઈ રહ્યું છે જેનું બેંક યુનિયન વિરોધ કરી રહ્યું છે.

કર્મચારીઓની ઓછી સંખ્યાના લીધે વર્તમાન કર્મચારીઓને મોડે સુધી શાખામાં બેસી કામ કરવું પડે છે અને રજાના દિવસોમાં પણ કામ પર આવવું પડે છે આમ છતાં ગ્રાહકોને બેંકમાં જ સુવિધાઓ મળવી જોઈ તે મળતી નથી. તેમજ ગ્રાહકોને પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. વર્ક લાઈફ બલેન્સ ને પુનઃ સ્થાપિત કરવું એ પણ હડતાળ પર ઉતરેલા તમામ કર્મચાીઓની માંગ છે.

આજે સમગ્ર દેશમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં તમામ કર્મચારીઓ દેખાવો, રેલી અને ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા.
યુનિયનના બેંકના મેનેજમેન્ટ સાથેના વાટાઘાટોમાં પણ કોઈ સમાધાન મળ્યું નથી તેમજ બેંક મેનેજમેન્ટનું કઠોર અને અક્કડ વલણ સામે આવ્યું છે, જેના કારણે તમામ કર્મચારીઓ એ હડતાળ પાડવા મજબુર બન્યા છે.

Most Popular

To Top