ચક્રવાતી તોફાન (Cyclone) મોકાનો (Mocha) પ્રકોપ વધી રહ્યો છે ત્યારે બાંગ્લાદેશની (Bangladesh) મધ્ય-પૂર્વ ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન (Wind) ફૂંકાવા લાગ્યા છે. બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ (Rain) શરૂ થયો છે. બાંગ્લાદેશી મીડિયા (Media) અનુસાર ચક્રવાતી તોફાન વધુ ખતરનાક બનતા બાંગ્લાદેશનો એક ટાપુ પાણીમાં ડૂબી જશે. જો કે આ કામચલાઉ હશે અને થોડા સમય પછી ટાપુ પરથી પાણી ઓસરી જશે. આ વાવાઝોડાની અસર બાંગ્લાદેશ મ્યાનમાર બોર્ડર પાસે આવેલા રોહિંગ્યા શરણાર્થી કેમ્પ પર પણ પડવાની શક્યતા છે. જેને કારણે અહીંથી 5 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અહીં મોકા તબાાહી મચાવી રહ્યું છે. જેના કારણે મ્યાંમારના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. બીબીસી અનુસાર અહીં 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જે 250 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. બાંગ્લાદેશના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોકા છેલ્લા 2 દાયકામાં દેશમાં ત્રાટકનારું સૌથી શક્તિશાળી તોફાન બની શકે છે.
બાંગ્લાદેશના અધિકારીઓએ કહ્યું કે બાંગ્લાદેશમાં ‘સેન્ટ માર્ટિન ટાપુ પર કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું નથી’. જ્યારે વાવાઝોડાનો પ્રકોપ વધશે ત્યારે તેની અસરથી સેન્ટ માર્ટિન ટાપુની એક બાજુથી પાણી વધશે અને બીજી બાજુ બહાર આવશે. જેના કારણે સેન્ટ માર્ટિન ટાપુ થોડા સમય માટે પાણીમાં ડૂબી જશે. બાંગ્લાદેશી હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડાનું કેન્દ્ર મ્યાનમાર છે. જેની અસર બાંગ્લાદેશના કોક્સ બજારને પણ થશે.
મોકા વાવાઝોડાને કારણે બાંગ્લાદેશની મધ્ય-પૂર્વ ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. પવનની ઝડપ 210 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમાં ચટ્ટોગ્રામ, ફેની, નોઆખલી, લક્ષ્મીપુર, ચાંદપુર, બરીશાલ, પુતુઆખલી, ઝાલકાઠી, પીરોજપુર, બરગુના અને ભોલા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
મોકાની અસર બાંગ્લાદેશ-મ્યાંમાર સરહદ પર સ્થિત રોહિંગ્યા શરણાર્થી શિબિરને પણ થઈ શકે છે. આ શરણાર્થી શિબિરમાં લગભગ 8 લાખ રોહિંગ્યા રહે છે. જોકે એક દિવસ પહેલાં જ 5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ WHOએ કહ્યું કે તે શરણાર્થી શિબિરોમાં 33 મોબાઈલ મેડિકલ ટીમ, 40 એમ્બ્યુલન્સ તેમજ ઈમર્જન્સી સર્જરી અને કોલેરા કિટ મોકલવાની તૈયારી કરી રહ્યું છે.