આજે સોમવારે બાંગ્લાદેશ વાયુસેનાનું F-7 ટ્રેનર વિમાન ઉત્તરા વિસ્તારમાં એક શાળાના મકાન પર અચાનક ક્રેશ થયું હતું. અકસ્માત સમયે શાળામાં અભ્યાસ ચાલી રહ્યો હતો અને શાળાની અંદર મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો હાજર હતા અને ઘણા વાલીઓ ગેટ પર તેમના બાળકોની રાહ જોઈ રહ્યા હતા.
શરૂઆતની માહિતી મુજબ, વિમાન ખૂબ જ નીચે ઉડી રહ્યું હતું અને અચાનક તેણે સંતુલન ગુમાવ્યું અને નીચે આવવા લાગ્યું. પહેલા તે કેટલાક નારિયેળના ઝાડ સાથે અથડાયું, પછી તે કોલેજની ઇમારત સાથે અથડાયું. ટક્કરની સાથે જ એક જોરદાર વિસ્ફોટ થયો અને વિમાન સળગવા લાગ્યું.
વિમાને સ્થાનિક સમય મુજબ 1.06 વાગ્યે ટેક્ઓફ થયું અને 1.30 વાગ્યે ક્રેશ થયું. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ગભરાઈ ગયા અને બહાર દોડવા લાગ્યા.
હાલમાં બચાવ કામગીરી ચાલુ છે પરંતુ આગના કારણે રાહત કાર્યકરોને અંદર પ્રવેશવામાં મુશ્કેલી પડી રહી છે. ફાયર બ્રિગેડની ટીમો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. વિમાનનો પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યો કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી. અત્યાર સુધીમાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે અકસ્માત સમયે શાળામાં મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી મૃત્યુઆંક વધુ હોઈ શકે છે.