Gujarat

પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજના બે ગર્ડર તૂટી પડ્યાં, ત્રણ દટાયા એકનું મોત

ગાંધીનગર: (Palanpur) બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં RTO સર્કલ પાસે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજનો (Flyover Bridge Under Construction) સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પાલનપુર શહેરમાં આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજ (OverBridge) આજે બપોરે તૂટી પડતાં સ્લેબના કાટમાળ નીચે ત્રણ વ્યકિત્તઓ દટાયા હોવાની આશંકા સેવાઈ હતી. જો કે મોડી સાંજે મળતી માહિતી મુજબ આ સ્લેબ નીચે દટાઈ જવાના કારણે એક વ્યકિત્તનું મોત નીપજ્યું છે. દોઢ વર્ષ પહેલાં બ્રિજનું કામ શરૂ કરાયું હતું અને આગામી જાન્યુઆરીમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની હતી.

  • પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજના બે ગર્ડર તૂટી પડતાં, ત્રણ દટાયા એકનું મોત
  • RTO સર્કલ નજીકના થ્રીલેગ એલિવેટેડ બ્રિજની કામગીરી જાન્યુ.માં પૂર્ણ કરવાની હતી, હવે નબળી કામગીરીની આશંકાએ લંબાય તેવી દહેશત
  • તાજેતરમાં જ મુખ્યમંત્રીએ ગુણવત્તાયુક્ત કામની તાકીદ કરી હતી, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના મિલીભગતની ચર્ચા સાથે લોકોમાં રોષ

પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે અંબાજી તરફ જતા રોડ પર બની રહેલા બ્રિજનો ભાગ ધરાશાયી થઈ ગયો છે. પાલનપુર આરટીઓ સર્કલ નજીકના આ નિર્માણાધિન ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હતા. ફ્લાયઓવરના બે ગર્ડર તૂટી પડ્યા હતા. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. હજી તાજેતરમાં જ મુખ્યમંત્રીએ આ મામલે તંત્રને તાકીદ કરી હતી કે, ફ્લાયઓવરના નિર્માણ સમયે પુરતી ગુણવત્તા જાળવવામાં આવે. છતાં પણ અધિકારીઓએ ધ્યાન ન આપ્યું. કોન્ટ્રાક્ટરો અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની મિલીભગતના કારણે આવા નબળા બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હોવાની આશંકા છે. બ્રિજના નિર્માણમાં છેક ઉપર સુધી કમિશનની ટકાવારી રહેતી હોવાથી કોન્ટ્રાકટરો નબળુ મટિરીયલ બાંધકામમાં ઉપયોગમાં લેતા હોવાની આશંકા સેવાઈ રહી છે.

કેન્દ્ર સરકારે 123 કરોડના ખર્ચે થ્રી લેગ એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો, જેમાં પાલનપુરની એજન્સીને 90 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ સોંપાયુ છે, જે 18 મહિનામાં પૂર્ણ કરાશે. દાતા તરફ 682 મીટર લાંબા, આબુ રોડ તરફ 700 મીટર લાંબા અને પાલનપુર-અમદાવાદ હાઇવે તરફ 951 મીટર લાંબા ત્રણ લેગ બનાવાશે. ગુજરાતનું પ્રથમ પિલ્લર પર થ્રીલેગ એલિવેટેડ રોટરી ડિઝાઇનનું રેલવે ઓવરબ્રિજ સ્ટ્રક્ચર તૈયાર થશે.

Most Popular

To Top