આણંદ : આણંદ જિલ્લાના ખંભાત, પેટલાદ અને બોરસદના ગામોમાં શંકાસ્પદ લમ્પીના કેસ જોવા મળતાં તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક અસરથી પશુઓની હેરફેર સહિત વિવિધ પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું 31મી ઓગષ્ટ સુધી અમલમાં રહેશે. આણંદ જિલ્લામાં સંભવિત પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ રોગના લક્ષણો છુટા છવાયા કેસ જોવા મળ્યાં હોવાનું નાયબ પશુપાલન નિયામકે કલેક્ટરને રિપોર્ટ કર્યો હતો. આ રિપોર્ટમાં લમ્પી સ્કીન ડીસીઝ રોગ વાયરસથી એક પશુથી બીજા પશુમાં ઝડપથી ફેલાતો હોવાનો અને પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુના શરીર પર ચોંટેલી ઇતરડી, માખી, મચ્છર વગેરેથી પણ ચેપ ફેલાતો હોય છે.
આથી, કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ પશુઓના પરિવહન પર પ્રતિબંધ મુકવા જણાવવામાં આવ્યું છે. લમ્પી વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના 26મી જુલાઇ,22ના જાહેરનામામાંથી લમ્પી સ્કીન ડીસીઝ અન્વયે કલેક્ટર એમ.વાય. દક્ષિણીએ કેટલાક પ્રતિબંધો ફરમાવ્યાં છે. આ પ્રતિબંધો મુજબ, રાજ્ય, જિલ્લા અને તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેવી જ રીતે પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુ એકઠા કરવાના થતા હોય તેવા આયોજનો પર પ્રતિબંધ રહેશે અને કોઇ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા પશુ, પશુઓના મૃતદેહ અથવા તેના કોઇ ભાગને ખુલ્લા, છુટા છોડી દેવાની અથવા તેને લાવવા લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ આદેશનો ભંગ કરનારા અને ઉલ્લંઘન કરનારા શખસ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
લમ્પી સ્કીન ડીસીઝના પગલે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
આણંદ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝના પગલે કલેકટર મનોજ દક્ષિણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. તેઓએ લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે જિલ્લામાં શું પરિસ્થિતિ છે ? તેની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કલેકટરએ જે ગામમાં લમ્પી સ્કીન ડીસીઝના કેસ જોવા મળે તો તુરત જે તે ગામોના કલ્સ્ટર બનાવી તે ગામોને અગ્રતા આપી તે ગામ સહિત આજુબાજુના વિસ્તારોના તમામ પશુઓનું સો ટકા રસીકરણ થઇ જાય તે જોવા પર ખાસ ભાર મૂકયો હતો. પશુપાલકોને જો તેમના પશુમાં રોગ જોવા મળે તો તુરંત જ રોગિષ્ઠ પશુને આઇસોલેશનમાં રાખવા સહિત પશુપાલન વિભાગ, અમૂલ ડેરી, 1962નો તાત્કાલિક સંપર્ક કરવામાં આવે તેની પણ સમજ આપવા સુચવ્યું હતું. કલેકટરે લમ્પી સ્કીન ડીસીઝથી અસર પામ્યા હોય તેવા પશુઓને મચ્છરદાનીમાં રાખવા પશુપાલકોને જણાવ્યું હતું.
પશુપાલન વિભાગના અધિકારી પણ એફઆઈઆર નોંધાવી શકશે
આણંદ કલેક્ટરના જાહેરનામા મુજબ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજજાના આણંદ જિલ્લાના પોલીસ અધિકારી, મદદનીશ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અને પશુપાલન વિભાગના પશુધન નિરીક્ષક તથા તે ઉપરના દરજજાના તમામ અધિકારી આ જાહેરનામાનો ભંગ કરનારા ઇસમ સામે ફરિયાદ નોંધાવી શકશે.
લમ્પીની કોઇ રસી નથી, પરંતુ ગોટપોકસ વેક્સિન અસરકારક બની છે
લમ્પી સ્કીન ડીસીઝની કોઇ રસી શોધવામાં આવી નથી. પરંતુ પશુ ડોક્ટરના અનુભવ મુજબ ગોટપોકસ વેક્સિન આ રોગ સામે અસરકારક સાબિત થઇ છે. જેથી એનડીડીબી દ્વારા તેનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. હાલ કચ્છમાં બે લાખ અને બનાસકાંઠામાં એક લાખ ડોઝ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન અને પંજાબ માટે 22 લાખ ડોઝ વિતરણ કરવામાં આવ્યાં છે. જ્યારે અન્ય બીજા ત્રીસ લાખ ડોઝનું ઉત્પાદન શરૂ છે. જે તૈયાર થતાં જ બજારમાં મુકવામાં આવશે.