ભરૂચ તાલુકા પંચાયતમાં આઈ.સી.ડી.એસ. કચેરીઓમાંથી બાળકોના પોષણ માટે આપવામાં આવતાં ફૂડ પેકેટોને દયાદરા ગામની આંગણવાડીઓના કર્મચારીઓએ બાળકો સુધી ફૂડ પેકેટ ન પહોંચાડી આ જથ્થો પોતાના ફાયદા માટે વેચાણ કરવાનો વેપલો ચલાવતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. ભરૂચ તાલુકા પોલીસે દયાદરા ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પાસેથી બાલવાડીના લાભાર્થીઓને અપાતો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડી 6 ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચ તાલુકા પંચાયતની કચેરીના આઈ.ડી.એસ. કચેરીમાંથી ભરૂચ તાલુકાનાં ગામડાઓમાં બાલવાડીના પેકેટનો જથ્થો આંગણવાડીઓમાં વાહન મારફતે પહોંચાડવામાં આવે છે. જે જથ્થો છેલ્લા ઘણા સમયથી બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ આચરાઇ રહ્યું હોવાની બાતમીના આધારે બાળ વિકાસ અધિકારી રીટાબેન છત્રસિંહ ગઢવીએ તેઓની ટીમ સાથે દયાદરા ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પાસે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન તેઓને બાલવાડીના લાભાર્થીઓને અપાતો ટેક હોમ રાશનના પેકેટનો જથ્થો ગેરકાયદે મળી આવ્યો હતો. જે અંગે અધિકારીએ તાલુકા પોલીસને જાણ કરી હતી.
પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ પરથી લગભગ 1905 નંગ ટી.એચ.આર.ના પેકેટનો જથ્થો મળી કુલ 64 હજારથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રીટાબેન ગઢવીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વેપલો ચલાવતા 6 ઈસમની ધરપકડ કરી હતી. જેમાં આરોપીઓ (1) સતાભાઈ બેચરભાઈ ભરવાડ, (2) રામજીભાઈ બીજલભાઈ ભરવાડ, (3) ભૂપતભાઈ શાંગભાઈ ભરવાડ, (4) લાખાભાઇ રઘુભાઇ ભરવાડ, (5) અમરાભાઈ અને (6) અજાણ્યાની તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પકડાયેલાં ટેક હોમ રાશનનાં પેકેટનું લિસ્ટ
પૂર્ણ શક્તિના 61 નંગ કિંમત રૂ.3240
માતૃ શક્તિ નંગ 05 કિંમત રૂ.270
બાલ શક્તિના છૂટા પેકેટ નંગ-159, કિંમત રૂ.3840
બાલ શક્તિની બેગ નંગ-56 (એક બેગમાં 20 પેકેટ) તેવા નંગ 1120 પેકેટ કિંમત રૂ.26,880
પૂર્ણા શક્તિની બેગ નંગ-33 (એક બેગ લેખે 10 પેકેટ )જેમાં પાઉચ નંગ-330 કિંમત 17,820
માતૃ શાક્તિ બેગ-23 (એક બેગ લેખે 10 પેકેટ) જેમાં પાઉચ નંગ-230 કિંમત રૂ.12,420