સંતરામપુર: બાકોર પોલીસે હાઈસ્કૂલની ચોકડી નજીક પુરપાટ ઝડપે જતી લક્ઝુરિયસ કારને રોકી તલાસી લેતા તેમાંથી રૂ. ત્રણ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે કાર સહિત રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બાકોર પોલીસને બાતમી મળી હતી કે, સફેદ કલરની હેરીયર ફોર વ્હીલ નંબર પ્લેટ વગરની છે. જે બાકોર તરફથી બાબલીયા તરફ આવે છે અને તેમાં વિદેશી દારૂ ભરેલો છે. આ બાતમી આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં બાબલીયા ચોકડીથી નજીક બાકોર બાજુથી એક કાર આવતા તે બાકોર તરફ ભાગી હતી. જેથી પોલીસે ખાનગી વાહનમાં પીછો કર્યો હતો. આ કારને રોકવા માટે બાકોર હાઈસ્કૂલ ચોકડી કલેશ્વરી હોટલ નજીક જેસીબી, ટ્રેક્ટર મુકી રસ્તો રોક્યો હતો. જોકે, કાર ચાલક ચાવી લઇ ગાડી મુકી રાત્રિના અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો. જોકે, કારમાં તલાસી લેતાં અંદર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતાં વિવિધ બ્રાન્ડની 385 કિંમત રૂ.3,00,045 મળી આવ્યો હતો. વધુ તપાસમાં ડેકીમાં જોતા બુકલેટ મળી આવી હતી. જેમાં ગાડીના માલિક તરીકે રાવતારામ પુરખારામ (રહે.અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું હતું. આથી, પોલીસે રાવતારામ સામે ગુનો નોંધી ગાડી, વિદેશી દારૂ સહિત કુલ રૂ.25,00,045 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સંતરામપુરમાં રીક્ષામાં દારૂની હેરફેર કરતાં પાંચ પકડાયાં
સંતરામપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ઉખરેલી બાજુથી બે ઓટો રીક્ષામાં દારૂ ભરી નીકળી છે. આ બાતમી આધારે ખાસ ટીમ બનાવી માલણપુર પીકઅપ સ્ટેન્ડ પાસે રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન સાગાવાડા તરફથી આવતી બે ઓટો રીક્ષા આગળ – પાછળ આવી રહી હતી. આ બન્ને રીક્ષાને રોકી રોડની બાજુમાં ઉભી રાખી હતી. પ્રથમ રીક્ષા નં.જીજે 1 ટીજી 5611ના ચાલકની પુછપરછ કરતાં તે વિકી ઉર્ફે નાનું ગાડાજી ઠાકોર (રહે.રાજવીર સર્કલ, નરોડા, અમદાવાદ) જ્યારે પાછળની સીટમાં બેઠેલા શખસની પુછપરછ કરતાં તે સંજય શંકર ઠાકોર, શ્રવણસિંહ ઉમેદસિંહ ઠાકોર (બન્ને રે. અમદવાદ) હોવાનું જણાવ્યું હતું.
ઓટો રીક્ષાની પાછળના ભાગે તપાસ કરતાં સ્પીકરના ખાનામાં વિદેશી દારૂની 140 બોટલ કિંમત રૂ.14,700 મળી આવી હતી. આ ઉપરાંત બીજી રીક્ષા નં.જીજે 1 ટીએફ 8497ના ચાલકનું નામ પુછતાં તે દશરથ ઉર્ફે દશલો રાજુ ઠાકોર હોવાનું જણાવ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા શખસની પુછપરછ કરતાં તે દિપેશ બાપુલાલ રોત (રહે. રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. રીક્ષામાં તલાસી લેતા 140 બોટલ કિંમત રૂ.14,700 મળી આવી હતી. આમ બે રીક્ષામાંથી મળી કુલ 280 બોટલ કિંમત રૂ.29400, બે રીક્ષા, મોબાઇલ મળી કુલ રૂ.1,67,900નો મુદ્દામાલ જપ્ત કરી વિકી ઉર્ફે નાનુ ગાડાજી ઠાકોર, સંજય શંકર ઠાકોર, શ્રવણસિંહ ઉમેદસિંહ ઠાકોર, દશરથ ઉર્ફે દશલો રાજુ ઠાકોર અને દિપેશ બાપુલાલ રોત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.