ગાંધીનગર : કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દ્વારા બગદાણામાં થયેલી ઘટના અંગે સોશિયલ મીડિયા એપ પર મુકેલી પોસ્ટ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રવક્તાએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસની રાજનીતિ માત્ર સોશિયલ મીડિયા એપ પર દરેક મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પાયાવિહોણી આક્ષેપબાજી કરવા સુધી જ સીમિત થઈ ગઈ છે. વાસ્તવિક રીતે કોંગ્રેસનું જમીન સાથેનું જોડાણ છૂટી ગયું છે, માટે જનતા કોંગ્રેસને સતત જાકારો આપે છે.
બગદાણામાં થયેલી ઘટના એ બે વ્યક્તિઓ વચ્ચેનો મામલો છે જે અંગે તંત્ર દ્વારા ફરિયાદના આધારે એફ.આઈ.આર નોંધી આગળની કાર્યવાહી કરાઇ રહી છે. બે વ્યક્તિ વચ્ચેના મુદ્દે પણ કોંગ્રેસ રાજનીતિ સાથે જોડી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકાર ગુનેગારોને બક્ષવામાં નહીં, કાયદો વ્યવસ્થાના સંદર્ભમાં ઝીરો ટોલરન્સ નીતિ સાથે ગુનેગારને કાયદા આધારિત સજા મળે તેમાં માને છે. ગુનેગાર કોઈપણ હોય, ભાજપા સરકાર ‘ઓનલી પ્રોસિક્યુશન, નો પોલિટિકલ પ્રોટેક્શન’ની નીતિથી ચાલે છે.