SURAT

રોઝ અને કેસર ફાલુદાથી વિખ્યાત બનેલી બદરી રેસ્ટોરન્ટનો 93 વર્ષે પણ ટેસ્ટ બરકરાર

જુના સુરતમાં મહાજનોની ગણતરીમાં સ્થાન પામતાં બદરી પરિવારનું સુરતમાં રેસ્ટોરન્ટ અને સિનેમાઘરોના સંચાલનમાં મોટું નામ રહ્યું છે. તેમાંય શહેરના રાજમાર્ગ પર લાલગેટ, કણપીઠ બજારમાં આવેલી બદરી રેસ્ટોરન્ટ (નવું નામ આઈસ્ક્રીમ) તેના રોઝ ફાલુદા અને કેસર ફાલુદાની વિશેષ બનાવટને સુરત અને દક્ષિણ ગુજરાતમાં ફાલુદા અને આઈસ્ક્રીમ ખાનારા ચાહકોમાં લોકપ્રિય બની હતી. 1929માં ખાનસાહેબ યુસુફઅલી ઈબ્રાહીમજી બદરી અને સાલેહભાઈ ખાનસાહેબ યુસુફઅલી બદરીએ દાઉદી વ્હોરા સમાજની ચાર મિનારવાળી મસ્જીદના ઈબાદત ખાના નીચે બદરી હોટલની શરૂઆત કરી હતી. પ્રારંભમાં લાલગેટ કણપીઠની જગ્યાએ જ્યાં બદરી આવી છે ત્યાં આઈસ ડેપો ચાલતો હતો. તે પછી સાલેહભાઈએ 1929માં આઈસ્ક્રીમ અને શરબતનું વેચાણ કરવા નાના પાયે હોટેલ શરૂ કરી હતી. સુરતમાં વસ્તી ખૂબ ઓછી હતી ત્યારે ઉનાળાની ઋતુમાં અહીં રોજ 5 કિલો હાથ બનાવટના વેનીલા અને ઓરેન્જ આઈસ્ક્રીમ ડબ્બામાં બનાવવામાં આવતા હતા. આજે પણ સુરતીઓ માટે બદરીનો રોઝ ફાલુદો, કેસર ફાલુદો, કોલ્ડકોકો, ઓલ્ડફ્રુટ આઈસ્ક્રીમ, ચોકલેટ આઈસ્ક્રીમ અને બદરીની સ્પેશ્યલ ચાહ આજે પણ એટલીજ લોકપ્રિય છે. 93 વર્ષનું ભવ્ય ઈતિહાસ ધરાવનાર બદરી હોટેલની રોચક વાતો ગુજરાતમિત્ર લઈને આવ્યું છે.

1929માં નાના પાયે બદરી રેસ્ટોરન્ટ શરૂ થઈ હતી
બદરી રેસ્ટોરન્ટના સંચાલકો પૈકીના એક અબ્બાસભાઈ બદરી કહે છે કે શરૂઆતમાં અમારો પરિવાર આઈસ ડેપો ચલાવતો હતો તેને લીધે અમારી અટક બરફવાળા પડી હતી. એક સમયે આ રેસ્ટોરન્ટ કંઈક ખાસ ચાલતી ન હતી. ત્યારે સૈયદના અબ્દુલ્લા બદરૂદ્દીનના પવિત્ર નામ બદરૂદ્દીન માંથી હુલામણું નામ બદરી પસંદ કરવામાં આવ્યું હતું. 1929માં એ નામથી રેસ્ટોરન્ટ શરૂ થઈ હતી. 1954માં રેસ્ટોરન્ટના ફાઉન્ડર સાલેહભાઈ બદરીનું અવસાન થયું ત્યારે મારી ઉંમર ખૂબ નાની હતી. મારા કાકા મુલ્લા મોહમંદભાઈ ખાન સાહેબ યુસુફઅલી બદરીએ કેર ટેકર તરીકે આ રેસ્ટોરન્ટ ચલાવી હતી તેઓ ગોરધનદાસ ચોખાવાલા પ્રમુખ હતા ત્યારે તેમની સાથે સુરત સુધરાઈમાં ઉપપ્રમુખ અને પાણી સમિતીના ચેરમેન રહ્યા હતા. ગ્રેજ્યુએટ થયો ત્યારે કાકાએ રેસ્ટોરન્ટ સંભાળી લેવા આદેશ આપ્યો હતો તે સમયે રેસ્ટોરન્ટમાં જવા માટે દોરડું પકડીને ચઢવું પડતું હતું. 1959માં રેસ્ટોરન્ટને રીપેર કરી ફેમિલી રૂમ બનાવવામાં આવ્યો હતો. અને 1963માં રેસ્ટોરન્ટને રીનોવેટ કરી નીચે ચાલીસ બેઠક અને ઊપર ચાલીસ બેઠકનો ફેમિલી રૂમ બનાવવામાં આવ્યો હતો. તે સમયનાં વિખ્યાત પેઈન્ટર બચુભાઈએ પોસ્ટર અને બેનર બનાવી રિનોવેટેડ રેસ્ટોરન્ટને ચાર ચાંદ લગાવ્યા હતા અને તેનું ઉદ્દઘાટન મોહમ્મદભાઈ બદરીએ તે સમયે મારા એક વર્ષના પુત્ર રાજ બદરીને હાથમાં લઈ કરાવ્યું હતું.

બ્રિટિશર્સે જેને પ્રિન્સેસ થિયેટરનો ખિતાબ આપ્યો છે તે લક્ષ્મી સિનેમા પણ બદરી પરિવારની હતી
સુરતમાં તે જમાનામાં ચોક્સી પરિવાર, ભરૂચા પરિવાર, કૂકા શેઠ અને બદરી પરિવારમાં થિયેટરો સિનેમા રોડ પર ચાલતા હતાં. સુરતનું પ્રથમ થિએટર લક્ષ્મી ટોકિઝ બદરી પરિવારની દેન હતી. તે સમયે બદરી પરિવારના ચાર થિયેટરો લક્ષ્મી, મોહન, વસંત અને કૃષ્ણ ટોકિઝ ચાલતી હતી. બદરી પરિવારમાં મુંબઈમાં પણ હિદમાતા કોહીનૂર સહિત ચાર થીએટરો ચાલતા હતા. પરિવારમાં સ્વતંત્રતા આંદોલન સમયથી હિન્દુસ્તાની નામ રાખવાનું ચલણ હતું જે આજે પણ જાળવી રાખવામાં આવ્યું છે. 1942માં બ્રિટિશર્સે લક્ષ્મી સિનેમાને પ્રિન્સેસ થીએટરનો ખિતાબ આપવામાં આવ્યો હતો પરંતુ સમય બદલાતાં એક પછી એક રોડના ચારે થિએટરો બંધ થયા છે. અબ્બાસભાઈ રમુજમાં કહે છે કે હવે સિનેમા રોડ છે પણ સિનેમા ગાયબ છે. એક જમાનામાં કેપીટલ સિનેમામાં પૃથ્વીરાજ કપૂર, રાજકપૂર, શમ્મીકપૂર અને શશીકપૂરને સાથે લાવી નાટકની ભજવણી કરતા હતા.

ઓટોમેટેડ આધુનિક મશીનરી સાથે ડિસ્ટ્રીબ્યુશન ચેઈનમાં બદરી આગળ વધશે : રોહન બદરી
રાજભાઈ બદરી અને રોહન બદરી બદરી આઈસ્ક્રીમની પ્રોડકટને નવી ટેકનોલોજી અને આધુનિક મશીનરી સાથે આગળ ધપાવી રહ્યા છે. રોહન બદરી કહે છે કે ભવિષ્યમાં અમારી પેઢી કેટરર્સની સાથે વેન્ડર્સ ડિસ્ટ્રીબ્યુશન ચેઈનમાં બીટુબી અને બીટુસી ચેઈનમાં જવા માંગે છે. એ માટે પેઢી પાસે એડવાન્સ મશીનરી છે એટલું જ નહી અમારી પેઢીમાં બનતી દરેક વસ્તુઓ અમારી સીધી નજર હેઠળ બને છે. બદરી ડિલીશ્યસ દ્વારા આજે રોયલ રોઝ, રોયલ કેસર પીસ્તા, રોયલ ચોકલેટ અને આઈસ્ક્રીમ ફાલુદા સહિત ફાલુદામાં નવ વેરાયટીઓ બનાવવામાં આવે છે જ્યારે કોલ્ડકોકોમાં મલાઈ, કાજુ અને આઈસ્ક્રીમના ટેસ્ટ સાથે ચાર પ્રકારના કોલ્ડકોકો બને છે. એવીજ રીતે આઈસ્ક્રીમમાં 20 થી વધુ વેરાઈટી, કૂલફીમાં પાંચ વેરાઈટી અને મીલ્કશેકમાં 13 આઈટમો બનાવવામાં આવે છે.

1967-68માં નવાપરા પારસી શેરીમાં બદરી રેસ્ટોરન્ટ બીજી શાખા શરૂ થઈ હતી
ભવ્ય ભૂતકાળને વાગોળતા અબ્બાસભાઈ બદરી કહે છે કે લાલગેટ કણપીઠની બદરી રેસ્ટોરન્ટનો રોઝ અને કેસર ફાલુદો, કોલ્ડકોકો અને ચોકલેટ આઈસ્ક્રીમ ધૂમ વેચાતો હતો. 1967-68માં બદરી રેસ્ટોરન્ટની બીજી શાખા નવાપરા પારસી શેરીની સુરત પીપલ્સ બેંકની સામે શરૂ કરવામાં આવી હતી તેનું એક કારણ એવું હતું કે તે જમાનામાં સુરતની વસ્તી ઓછી હતી ત્યારે આઠમનો મેળો પારસી શેરીમાં ભરાતો હતો. વેપારમાં એક સાથે બે સિઝનનો લાભ મળે તેવા ઈરાદા સાથે પારસી શેરીમાં બદરી શરૂ થઈ હતી. પ્રારંભમાં તેણે ખૂબ ધૂમ મચાવી હતી. જોકે રસ્તો વનવે થઈ જતાં આ રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ હતી.

એક જમાનામાં આઠ આનામાં આઈસ્ક્રીમ અને દોઢ રૂપિયામાં ફાલુદો વેચાતો : અબ્બાસભાઈ બદરી
અબ્બાસભાઈ બદરી કહે છે કે મને બરાબર યાદ છે કે 1965માં બદરી રેસ્ટોરન્ટનો રોઝ ફાલુદો દોઢ રૂપિયામાં અને ચોકલેટ આઈસ્ક્રીમ આઠ આનામાં વેચાતો હતો. દોઢ રૂપિયાનો ફાલુદો આજે 150 રૂપિયા થયો છે એવી રીતે 1965માં ચાહનું વેચાણ માત્ર 25 પૈસે કરવામાં આવતું હતું જેની કિંમત આજે 25 રૂપિયા છે.

ફાલુદો, મેંગોશીપ, કોલ્ડકોકો અને ઓલફ્રુટ આઈસ્ક્રીમે ધૂમ મચાવી : રાજ બદરી
બદરી આઈસ્ક્રીમના રાજભાઈ બદરી કહે છે કે અમારી રેસ્ટોરન્ટનો રોઝ ફાલુદો, કેસર ફાલુદો, કોલ્ડકોકો, મેંગોશીપ અને ઓલફ્રુટ આઈસ્ક્રીમ ખૂબ લોકપ્રિય બની હતી. NRI’S ફ્રોઝન કોલ્ડકોકો કાચની બોટલમાં મુંબઈ લઈ જતાં હતા. કેસર ફાલુદાની ખા સિયત એ હતી કે તેમાં એસેન્સ નાંખવાને બદલે રીઅલ કેસર નાખવામાં આવતું હતું. દૂધ પણ કેસરમાં બનાવવામાં આવતું હતું. 1964માં મંગાભાઈ નામના કારીગરે ફાલુદાની રેસિપી મારા પિતા અબ્બાસભાઈ બદરીને આપી હતી. એવીજ રીતે મેંગોશીપ શનિવારે બનાવવામાં આવતી અને તેનો તમામ સ્ટોક રવિવારે વેચાઈ જતો હતો. બદરી ડિલીશ્યસ દ્વારા આજે રોયલ રોઝ, રોયલ કેસર પીસ્તા, રોયલ ચોકલેટ અને આઈસ્ક્રીમ ફાલુદા સહિત ફાલુદામાં નવ વેરાયટીઓ બનાવવામાં આવે છે જ્યારે કોલ્ડકોકોમાં મલાઈ, કાજુ અને આઈસ્ક્રીમના ટેસ્ટ સાથે ચાર પ્રકારના કોલ્ડકોકો બને છે. એવીજ રીતે આઈસ્ક્રીમમાં 20 થી વધુ વેરાઈટી, કૂલફીમાં પાંચ વેરાઈટી અને મીલ્કશેકમાં 13 આઈટમો બનાવવામાં આવે છે.

ભગવતીકુમાર શર્માએ અભિનેતા રાજકુમારનો જ્યાં ઈન્ટરવ્યું લીધો તે પ્રિયા રેસ્ટોરન્ટ પણ બદરી પરિવારે શરૂ કરી હતી
અબ્બાસભાઈ બદરી કહે છે કે બદરી રેસ્ટોરન્ટની સફળતા પછી પારસી શેરીની તેની બીજી બ્રાંચ ચાલી ન હતી. તે સમયે અઠવાલાઈન્સ રોડ પર માઈસોર કાફે રેસ્ટોરન્ટ સફળ રહી હતી. સુરતમાં નવો વિસ્તાર ડેવલપ થયો હોવાથી બદરી પરિવારે 1972માં પ્રિયા રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટ ચલાવવાનો ખાસ અનુભવ હોવા છતાં રેસ્ટોરન્ટના વેપારમાં ઝંપલાવ્યું હતું પરંતુ દક્ષિણ ભારતીય વાનગી બનાવનાર રસોઈયા અને કારીગરો અનિયમિત રહેતા આ રેસ્ટોરન્ટ નવસારીના એક દક્ષિણ ભારતીય રેસ્ટોરન્ટ માલિકને ચલાવવા માટે આપી દેવામાં આવી હતી. પ્રિયા રેસ્ટોરન્ટ શરૂ થઈ ત્યારે વિખ્યાત અભિનેતા રાજકુમારે અહીં ગુજરાતમિત્ર પરિવારનો વિખ્યાત સાહિત્યકાર-પત્રકાર ભગવતીકુમાર શર્માને ઈન્ટરવ્યુ આપ્યો હતો.

  • વંશવેલો
    ખાનસાહેબ યુસુફઅલી ઈબ્રાહીમજી બદરી
  • સાલેહભાઈ ખાનસાહેબ બદરી
  • અબ્બાસભાઈ સાલેહભાઈ બદરી
  • રાજ અબ્બાસભાઈ બદરી
  • અમીર અબ્બાસભાઈ બદરી
  • રોહન બદરી
  • મોહમંદ બદરી

સુરતમાં કાફેના કોન્સેપ્ટ સાથે ચાહ અને કોફી વેચવાનું બદરી રેસ્ટોરન્ટે શરૂ કર્યંુ હતું
કોલકત્તામાં કાફે કલ્ચર ખૂબ સફળ રહ્યું હોવાથી તે જમાનામાં અબ્બાસભાઈ બદરીએ ફાલુદો, સરબત અને આઈસ્ક્રીમના વેચાણ માટે જાણીતી બનેલી બદરી રેસ્ટોરન્ટ ચાહ અને કોફી વેચવાની પરવાનગી કાકા પાસે માંગી હતી. તે સમયે સફળતાની ચરમસીમાએ પહોંચેલી બદરીમાં ચાહ વેચવાના વિચાર સામે કાકાએ અસંમતિ દર્શાવી હતી. તેનું એક કારણ એ હતું કે આઈસ્ક્રીમ પાર્લર એટલે નીટ એન્ડ ક્લીન માનવામાં આવતી. અબ્બાસભાઈ કહે છે કે ચાહ શરૂ કરવા માટેનો કિસ્સો પણ રોચક છે એક દિવસ એક માણસ આવ્યો હતો તેણે મને ચાહ બનાવીને પીવડાવી હતી. એ ચાહ મને એટલી ગમી હતી કે થોડાંક સુધારા સાથે અમે 1965માં સુરતમાં કાફે કલ્ચર લાવવા સાથે બદરીમાં ચાહ અને સ્પેશ્યલ કોફીનું વેચાણ શરૂ કર્યુ હતું તે પછી આ રેસ્ટોરન્ટ ઈન્ટેલેક્ચ્યુઅલ લોકોની ચર્ચા વિચારણા બેઠક બની હતી. અબ્બાસભાઈ કહે છે કે પિતાની ગેરહાજરીમાં ફકીરભાઈ નામના વ્યકિતએ તેમને દુકાનદારી શીખવી હતી. અને ધીરૂભાઈ દેસાઈએ એકાઉન્ટન્ટસ શીખવ્યું હતું.

Most Popular

To Top