તા.૦૨/૦૭/૨૫ ના ગુ.મિત્રમાં ઇન્તેખાબ અન્સારીજી લખેલા ચર્ચાપત્રમાં બી.એડ. કોર્ષની પ્રવેશ સંદર્ભે જે ભયાનક ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે વિષે તેમણે શિક્ષણ શાસ્ત્રીઓ, કેળવણીકારો સાથે આપણને ચિંતન અને પ્રયાસ કરવા જણાવ્યું. તે વિષે તેમના પ્રયાસને વધાવવો જોઈએ. ખરેખર બી.એડ. શિક્ષક બનવા માટેની તાલીમ છે જે રેગ્યુલર જ હોય, બી.એડ.ના વિદ્યાર્થીઓ એ સ્કુલોમાં જઇ વિદ્યાર્થીઓને પાઠ આપવાનો હોય છે. જ્યારે બી.એડ. કોર્ષ ઘર બેઠા કરીને તેમને ડીગ્રી આપવામાં આવે ત્યારે આપણે કેવા શિક્ષકો તૈયાર કરીશું? આમ તો અગાઉ ગુ.મિત્રમાં શિક્ષણની સમસ્યા વિશે શશિકાન્ત શાહની એકલવ્ય કોલમમાં આ સમસ્યા વિષે ચિંતન થતું હતું પંરતુ હવે આખા શિક્ષણનું ખાનગીકરણ થયુ છે.
ત્યારથી શિક્ષણની ઘોર ખોદી નાખી છે. સરકાર કોઈ પણ માપદંડ વગર ખાનગી યુનિવર્સિટીઓની મંજુરી આપી દે છે, આવી યુનિવર્સિટીઓ પણ વિદ્યાર્થીઓને લાલચ આપે છે કે તમારે બી.એડ. કરવા કોલેજમાં રેગ્યુલર આવવાની જરૂર નથી, ફક્ત ફી જમા કરાવો અને પરિક્ષા આપી ને બી.એડ. સર્ટિફિકેટ લઇ લો. પરીક્ષામાં ઘરના જ ભુવાને ઘરના જ ડાકલા એટલે વાંધો ન આવે. સરકારે મંજૂરી યુનિવર્સિટીઓને આપી હોય એટલે સર્ટિ. કાયદેસર થઈ ગયું. તેમાં સરકારનો કોઈ અંકુશ નથી, યુનિવર્સિટીઓ ઘર બેઠા ડિગ્રી વેચવા માંડી છે, જે વિદ્યાર્થીઓ રેગ્યુલર મહેનત કરીને જે ડીગ્રી મેળવે છે તેને અન્યાય થાય છે.
કીમ – પી.સી.પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.