National

અયોધ્યા જતા તમામ રૂટ પર બસોનું સંચાલન બંધ કરી દેવાયું, રસ્તાઓ પાંચ કિલોમીટર અગાઉથી સીલ

અયોધ્યા: (Ayodhya) રામ મંદિરમાં (Ram Temple) ભારે ભીડને જોતા અયોધ્યા જતી યુપી રોડવેઝની તમામ બસોને (Bus) રોકી દેવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના જનરલ મેનેજર ઓપરેશન મનોજ પુંડિરે જણાવ્યું કે અયોધ્યા જતા તમામ રૂટ પર બસોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ભીડ ઓછી થશે ત્યારે તેની સમીક્ષા કર્યા બાદ તેને ફરી શરૂ કરવામાં આવશે.

અભિષેક કાર્યક્રમ બાદ મંગળવારથી રામ મંદિર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે. મંગળવારે રામલલાની સવારની આરતી થઈ હતી. આ પછી ભક્તોએ દર્શન લેવાનું શરૂ કર્યું હતું. ભગવાન રામલલાના દર્શન કરવા માટે ઘણા ભક્તો હજુ પણ અયોધ્યામાં રોકાયા છે. આવી સ્થિતિમાં પોલીસ અને પ્રશાસન સતત લોકોને અયોધ્યા ન આવવાની અપીલ કરી રહ્યું છે. સવારથી લોકો મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. ચેકિંગ માટે લગાવવામાં આવેલા મેટલ ડિટેક્ટરને કચડીને શ્રદ્ધાળુઓ આગળ વધ્યા અને પોલીસ-વહીવટ માત્ર લાચાર બનીને જોતી રહી ગઈ હતી.

મંદિરમાં ભક્તોની ભારે ભીડને લઈને અયોધ્યામાં મંદિર તરફ જતા તમામ રસ્તાઓ ચારથી પાંચ કિલોમીટર અગાઉથી બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર રાહદારીઓને જ લાઇનમાં રહી ચાલવાની છૂટ આપવામાં આવી છે. પ્રશાસને ભારે ભીડને જોતા આ નિર્ણય લીધો છે. સવારથી જ મંદિરની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે વહીવટીતંત્ર સામે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

અયોધ્યા ટ્રોન્સપોર્ટ સેવાઓને બે કલાક માટે નિયંત્રિત કરવા સૂચના
લખનૌ જિલ્લા મેજિસ્ટ્રેટે નિર્દેશ આપ્યો છે કે અત્યારે કોઈ પણ પ્રવાસીને અયોધ્યા ન મોકલવામાં આવે. વધતી ભીડને નિયંત્રિત કરવામાં સમસ્યા છે. તેના બદલે લોકોને અહીંથી બીજે ક્યાંક મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ. અયોધ્યાની ટ્રાન્સપોર્ટ સેવાઓ બે કલાક માટે સ્થગિત રાખવાનું કહેવામાં આવ્યું છે. અયોધ્યાથી આગળ યાત્રીઓ માટે કોઈ પ્રતિબંધ નથી. બારાબંકીના જિલ્લા મેજિસ્ટ્રેટે નિર્દેશ આપ્યો છે કે પરિવહન નિગમની કોઈપણ બસ અત્યારે અયોધ્યા જઈ શકશે નહીં કારણ કે અયોધ્યામાં વધતી ભીડને નિયંત્રિત કરવામાં સમસ્યા છે. લખનૌથી ગોરખપુર રૂટ પર જતી બસો રામનગર-ગોંડા થઈને ચલાવવામાં આવી રહી છે.

ભીડને કાબૂ બહાર જતી જોઈને પ્રશાંત કુમાર અને મુખ્ય સચિવ સંજય પ્રસાદે પોતે ચાર્જ સંભાળ્યો અને લોકોને અપીલ કરતા રહ્યા. પ્રશાંત કુમાર સતત નજર રાખી રહ્યા છે. બારાબંકી પોલીસે લોકોને અયોધ્યા ન જવાની અપીલ કરી છે. અયોધ્યાના પ્રવેશદ્વાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અયોધ્યાથી બહાર આવી રહેલી તસવીરોમાં આસ્થાનું પૂર દેખાઈ રહ્યું છે.

Most Popular

To Top