હાલ તો આપ સૌ કોઇ આ ફુલ ગુલાબી ઠંડીની મજા લેતા હશો. આ શિયાળાની મોસમમાં સવાર સવારમાં ગરમાગરમ ફાફડા કે લોચાની ડિશ મળી જાય તો બધી ઠંડી ઉતરી જાય, કેમ? અરે સુરતીઓ છીએ તકનો લાભ કેમ ચુકીએ… આ શિયાળામાં અવનવા વસાણાં કે પછી પોંક તો ખરો જ!! આ મોસમ જ એવી છે કે એન્જોય કર્યા વિના ના રહેવાય ત્યારે સુરતની અનેક મહિલાઓ ખાસ વિન્ટર થીમ પર કિટ્ટી પાર્ટ્ટી યોજી રહી છે , ઉચ્ચ મધ્યમવર્ગથી લઈને સુખી ઘરની કોઈ પણ મહિલાને પૂછો. એ કોઈક ને કોઈક કિટી પાર્ટીની સભ્ય હશે જ અને એમાંય ખાસ આ સિઝનમાં લેડિઝમાં શિયાળાની થીમ બેઝ્ડ કિટ્ટી પાર્ટ્ટીનું આયોજન કરી રહી છે.
મસાલેદાર ચાની સાથે ગરમા ગરમ ભજીયા અને પોંક્વડાની લિજ્જ્ત માણી : ચૈતાલી દામવાલા
ચૈતાલી દામવાલા જણાવે છે કે, ‘’શિયાળો એટલે સવાર સવારમાં ફ્રેંડ્સ સાથેનું જોગીંગ કે જીમ અને જોગીંગ બાદ ચા સાથે ગરમા ગરમ ખમણ ઢોકળા કે લોચો મળી જાય એટલે તો ભયો ભયો. આવી જ એક સવારે અમે ફ્રેંડ્સ ગુપમાં લોચાની મજા લેતા હતા અને એ ફોટો પાડી મેં વોટ્સએપ ગ્રુપમાં મુકયો તો સામેથી મારી ઘણી ફ્રેંડ્ન્સના રિપ્લાય આવ્યા કે યાર. ચાલો આવી એક મજેદાર પાર્ટી થઇ જાય. બધાની ઇચ્છા હતી આથી અમે એક વિન્ટર કિટ્ટી પાર્ટી ગોઠવી. જેમાં મસાલેદાર ચાની સાથે ગરમા ગરમ ભજીયા અને પોંક્વડાની લિજ્જ્ત માણી અને પછી ફોટો પાડ્યા વિના તો કેમ રહેવાય !!.’’
મેનુ પણ અમે શિયાળાને ધ્યાનમાં રાખીને જ ફિક્સ કર્યુ : જહાન્વી
જહાન્વી જણાવે છે કે, ‘’ અમારા લેડીઝ ગ્રુપ દ્વારા અવાર નવાર જુદી જુદી કિટ્ટી પાર્ટ્ટી યોજાતી હોય છે. આ વખતે શિયાળો શરૂ થઇ ચુકયો છે ત્યારે અમે ગયા અઠવાડીયે જ ખાસ શિયાળા સ્પેશ્યલ કિટ્ટી પાર્ટી યોજી હતી. જેમાં અમે બ્લેક એન્ડ વાઇટ થીમ રાખી હતી. જેમાં વિન્ટર ડ્રેસીંગ પ્રીફર કર્યું. બધા જ ગ્રુપ મેમ્બર્સ બ્લેક એંડ વાઇટ સ્વેટર, મફલર, શોલ, સોક્સ પહેરીને આવ્યા હતા. અમારું મેનુ પણ શિયાળાને ધ્યાનમા રાખીને જ ફિક્સ કર્યુ હતું, અને સાથે અમે ગેમ્સની મજા પણ માણી હતી. અમે બીજી પણ ઘણી રમત રમીએ છીએ. નોટબુક ઉછાળતા, મ્યૂઝિક વગાડતા હસવાનું, મ્યૂઝિક બંધ થઈ જાય એટલે ચૂપ થઈ જવાનું અથવા ચાર સભ્યો ચાર ખૂણામાં ઊભા રહે છે. જ્યારે મ્યૂઝિક બંધ થઈ જાય ત્યારે એ જેને બેસવાનું કહે એ બેસી જાય છે. એમ એક પછી એક એમ બધી બેસી જાય છે અને છેલ્લે જે રહે છે એ જીતે છે. આવી અનેક ગેમ્સ રમીએ.’’
કીટ્ટીપાર્ટીમાં સાલમપાક અને અડદિયુ ઓર્ડર કર્યુ : વિધિ મહેતા
છેલ્લા આઠેક વર્ષથી કીટ્ટી પાર્ટીનું આયોજન કરનાર વીધિબેન મહેતાએ જણાવ્યું હતુ કે , ‘’દર વર્ષે અમે નવા નવા આઇડિયા સાથે કીટી પાર્ટીનું આયોજન કરતા હોય છે. કોરોનાકાળ બાદ અમે વર્ષની પહેલી વીન્ટર થીમ પર કીટ્ટી પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં 20 જેટલી મહિલાઓએ ભાગ લીધો છો. કીટ્ટી પાર્ટીમાં વીન્ટર થીમ પર મહીલઓ ડીઝાઇનર સ્વેટર અને સ્કાફ, મફલર અને કેપ પહેરીને આવી હતી. કીટ્ટીમાં મહીલાઓએ હાઉઝી ગેમ, ગ્રુપ ગેમ્સ રમ્યા હતા. કોરોના બાદ ફસ્ટ કીટ્ટી હતી એટલે ખુબ જ એન્જોયમેન્ટ કર્યું હતું ગેમ પત્યાબાદ ચા નાસ્તો કર્યો હતો. ઉપરાંત વિન્ટર હોવાને કારણે જો કીટ્ટીમાં વસાણા ન ખાઇએ તો કીટ્ટી અધુરી ગણાય એટલે અમે બહારથી સાલમપાક અને અડદીયું ઓર્ડર કર્યુ હતું. કેમ કે શિયાળામાં ખાસ લેડિઝે આવા હેલ્ધી ફુડ ખાવા જોઇએ. વિન્ટરની પહેલી કીટ્ટી હતી ફ્રેન્ડસને મળવાથી આનંદ પણ બમણો થયો.’’