નવી દિલ્હી, તા. 10 (પીટીઆઇ) : ચેન્નાઇમાં રમાનારી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની અંતિમ ઇલેવનમાં ઓછામાં ઓછો એક ફેરફાર થવાનું નક્કી છે. ઝારખંડનો ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમના નિરાશાજનક પ્રદર્શનને કારણે તેને બહાર મુકવામાં આવે તે નિશ્ચિત છે. નદીમના વિકલ્પ અંગે નિર્ણય શુક્રવારે કરવામાં આવશે. જો કે એવી આશા રાખવામાં આવી રહી છે કે મેચ ફિટ થયેલો ઓલરાઉન્ડર અક્ષર પટેલ તેનું સ્થાન લેશે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના એક સીનિયર સૂત્રએ પીટીઆઇને જણાવ્યું હતું કે અક્ષરને ઘુંટણમાં નજીવી ઇજા હતી અને તે પહેલેથી નેટ પર બેટિંગ શરૂ કરી ચુક્યો છે. આગામી થોડા દિવસોમાં તે બોલિંગ પણ શરૂ કરશે એવી આશા કરવામાં આવી રહી છે. જો કે સાથે જ તેમણે કહ્યું હતું કે ટેસ્ટમાં તે રમશે કે કેમ તે કેપ્ટન વિરાટ કોહલી, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરૂણ પર નિર્ભર પર નિર્ભર કરશે.
કોહલીએ પ્રથમ ટેસ્ટ પછી નદીમના પ્રદર્શન સંબંધે પોતાની નિરાશા છુપાવી નહોતી અને કહ્યું હતું કે જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને રવિચંદ્રન અશ્વિને જે પ્રેશર ઊભું કર્યું હતું તે નદીમ અને વોશિંગ્ટન સુંદર જાળવી શક્યા નહોતા.
જોફ્રા આર્ચરના શોર્ટ બોલથી ઘાયલ અશ્વિનને કોઇ સમસ્યા નથી
ભારતીય પ્રશંસકો માટે સારા સમાચાર એ છે કે ભારતીય ટીમના બીજા દાવ દરમિયાન જોફ્રા આર્ચરનો શોર્ટ પીચ બોલ હાથમાં વાગ્યો હોવા છતાં અશ્વિનને તેનાથી કોઇ મોટી સમસ્યા ઊભી થઇ નથી. અશ્વિનને અગમચેતી દાખવીને સ્કેન માટે લઇ જવાની પણ જરૂર પડી નહોતી, જે શનિવારથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટ પહેલા ભારતીય કેપ્ટન કોહલી અને ટીમ માટે રાહતભર્યા સમાચાર છે.
ચેપોકની નવી પીચ સંભવત: પહેલા દિવસથી જ થોડી ટર્ન લેશે
ચેન્નાઇમાં પહેલી ટેસ્ટ દરમિયાન સપાટ પીચ પછી તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના ક્યુરેટર વી રમેશ કુમાર અને બીસીસીઆઇની પીચ તેમજ મેદાન કમિટીના પ્રમુખ તાપોસ ચેટર્જીની સામે એવી પીચ તૈયાર કરવાનો પડકાર રહેશે જેમાં ટોસ એટલો મહત્વપૂર્ણ નહીં રહે. બીજી ટેસ્ટ માટે જે પીચ ઉપયોગમાં લેવાની છે તેના પર હજુ ઘાસ છે પણ માનવામાં આવે છે કે તેનાથી ટર્ન મળશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પહેલી ટેસ્ટ પૂર્વે ઘણું પાણી આપીને રોલિંગ કરનાર રમેશ અને ચેટર્જી આગામી ત્રણ દિવસ પીચને પાણી આપવાનું બંધ કરશે કે નહીં. જો તડકામાં જો સુકી પીચ તૈયાર કરવામાં આવે તો તે ઝડપથી તૂટવાની સંભાવના રહે છે.