સુરત શહેરમાં રસ્તાઓનો પ્રશ્ન નવો નથી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આકરા સંદેશા બાદ અચાનક જ ‘એવોર્ડજીવી મ્યુનિસિપલ ખાતું’ મેદાનમાં ઊતરી ગયું. પરંતુ મેદાનની કામગીરી કરતાં વધુ ચર્ચા તો કેમેરા સામેના પોઝ અને સાઇટ પરના ફોટોશૂટે જ પકડી. રોડ મટીરિયલની તપાસ હોય કે રીપેરિંગનું નિરીક્ષણ, દરેક સ્થળે કેમેરા ફ્રેન્ડલી પળો શોધવામાં એવો ઉત્સાહ દેખાયો કે જાણે એવોર્ડજીવીથી હવે ‘ફોટોજીવી’ બની જવામાં વિશેષ રસ હોય. આ ચમકદાર તસવીરો શહેરનાં ખરાબ હાલતવાળા રસ્તાઓની વાસ્તવિકતા ઢાંકી શકતી નથી.
સુરતના નાગરિકોના સવાલ: બે વર્ષમાં ડીએલપીના 472 રસ્તા તૂટી ગયા, છતાં કોઈ કડક પગલું નહીં? સુરત મ્યુનિસિપલ ખાતાના માનીતા પાંચ કોન્ટ્રાક્ટરોના રસ્તા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે, છતાં માત્ર દંડ વસૂલીને જ મામલો ઠંડો? કોઈ બ્લેકલિસ્ટિંગ નહીં,… કોઈ લાંબાગાળાની કાર્યવાહી નહીં…. કોન્ટ્રાક્ટરને મળતા ડિસ્કાઉન્ટેડ રેટ અને તંત્રની ડિસ્કાઉન્ટેડ જવાબદારી, બંન્ને મળી નુકસાન તો અંતે સુરતીઓને જ થાય છે. શહેરની કનેક્ટિવિટી સુધારવાના નામે ખર્ચાતા કરોડો રૂપિયા અને વધેલો વાહનોનો મેન્ટેનન્સ ખર્ચ, નાગરિકોની ખિસ્સા પર સીધો બોજ છે. એવોર્ડ લેશો, ફોટા લેશો, પણ થોડો સમય અસલી કામ માટે પણ કાઢોને સાહેબ. અમને ચમકતા ફોટા નહીં… મજબૂત રસ્તા જોઈએ છે. અમને સારો રોડ જોઈએ છે…, રીલ્સ નહીં. વેરો ભરતો સુરતનો એક નાગરિક.
પરવત ગામ, સુરત – આશિષ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.