પહેલા કહેવાતું કે અષાઢ નો મહિનો એટલે તો વ્રત, તપ અને જપનો મહિનો. પણ હવે અલુણા-વ્રત કરતી કુંવારીકાઓ અને યુવતીઓ માટે અષાઢનો મહિનો એટલે અલુણા અને શોપિંગનો મહિનો થઈ ગયો છે.આપણા સુરતીઓએ શોપિંગને પણ એમાં સ્થાન આપ્યું છે. માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાને મનગમતા માણીગરની પ્રાપ્તિ થાય છે. એક સમય એવો હતો જ્યારે અલુણામાં બગીચાઓમાં ફરવાનું અને સીનેમાઘરો માં ફિલ્મ જોવા જવાનો ટ્રેન્ડ હતો. પણ હવે છેલ્લાં કેટલાંક સમય થી અલુણાની સાથે શોપિંગ ઉમેરાઈ ગયું છે. અલુણાની છોકરીઓ નવરાત્રીની જેમ રાહ જોતી થઈ ગઈ છે. કારણકે, અલુણામાં શોપિંગની વધારાની તક ઉમેરાઈ ગઈ છે.અલુણાને બે મહિના હજી તો બાકી હોય ત્યાંજ નાની નાની બાળકીઓ અને કિશોરીઓ તથા યુવતીઓ પાંચે દિવસ માટે નવા ડ્રેસીસ, ચણીયા-ચોલી, ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફિટ અને તેની સાથે મેચિંગ જેવેલરીની શોપિંગ શરૂ કરી દે છે. અલુણા ચાલતા હોય ત્યારે પણ શોપિંગ તો ચાલું જ હોય. 11 જુલાઈથી અલુણા શરૂ થઈ રહ્યા છે એટલે ચાલો આપણે સુરતી Girls પાસેથી અલુણા અને શોપિંગ વિશે તેમનું શું કહેવું છે તે જાણીએ.
લિમિટેડ બજેટમાં શોપિંગ કરું છું : કશીશ પંડ્યા
ભટાર વિસ્તારમાં રહેતી કશીશે જણાવ્યું કે હું અલુણાના એક અઠવાડિયા પહેલાં સિમ્પલ એન્ડ સોબર ડ્રેસીસ અને ચણીયા ચોળી લિમિટેડ બજેટ માં શોપિંગ મોલમાં ખરીદું છું. મારી બધી ફ્રેન્ડ્સ શોપિંગ કરે છે એ જોઈ શોપિંગ કરવાનું મન થઇ જાય છે. 5 દિવસ એટલે ફ્રેન્ડ્સની સાથે નજીકના ગાર્ડન માં જાવું છું. અને મને ડેડી ફિલ્મ જોવા મલ્ટીપ્લેક્સ માં લઇ જાય. આ દિવસોમા ઉપવાસને કારણે વિકનેસ આવી જતી હોય છે એટલે મમ્મી-પપ્પા મને સ્ટડી માટે ફોર્સ નહીં કરે.
અલૂણાંની શોપિંગ 2 દિવસની હોય : સિયા પટેલ
અલથાણ વિસ્તારમાં રહેતી સિયાનું કહેવું છે કે અલુણા હોય એટલે હું શોપિંગ તો કરું જ મમ્મી અને પપ્પાની સાથે. મારી અલુણાની શોપિંગ બે દિવસની હોય.અલુણાના બે દિવસ પહેલાં હું શોપિંગ કરું. એક દિવસ હું અલુણામાં ખાઈ શકાય એવી વસ્તુઓ જેમકે ફરાળી કેળાની ચિપ્સ, ડ્રાય ફ્રૂટ અને ફ્રૂટ્સની ખરીદી કરું. અલુણાના એક દિવસ પહેલાં હું કપડાંનું શોપિંગ કરું. મને વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બંને પ્રકારના આઉટફિટ ગમે. અલુણાના પહેલાં બે દિવસ હું કુર્તિ પહેરવાનું પસંદ કરું. બીજા બે દિવસ વેસ્ટર્ન આઉટફિટ અને લાસ્ટ ડે હું ચણીયા-ચોળી પહેરું. મને ચણીયા-ચોળીમાં ફોટો પડાવવું બહુ જ ગમે. અલુણામાં ફોટો પડાવવાનો ક્રેઝ હોય એટલે શોપિંગ તો હોય જ. અને ઓક્સિડાઈઝની જેવેલરી પહેરવી ગમે.અલુણામાં ફિલ્મ જોવા થીયેટરમાં નહીં જાઉં કારણ કે મને ત્યાં પોપકોર્ન ખાવાનું મન થઇ જાય એટલે હું મુવી જોવા થીયેટર તો નથી જ જતી.
બે મહિના પહેલાં શરૂ થઈ જાય શોપિંગ : રાશિ ચામરીયા
પાલ-ભાઠા વિસ્તારમાં રહેતી 12 વર્ષની રાશીનું કહેવું છે કે હું તો અલુણાના બે મહિના પહેલાં જ મારા મમ્મી-પપ્પા સાથે શોપિંગ કરી લઉં છું. મારા મમ્મી-પપ્પા મારા ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફિટની શોપિંગનું બજેટ 5 હજાર રૂપિયા જેટલું તો રાખે જ. મને અલુણામાં રોજ નવા ડ્રેસ પહેરીને મંદિરે ફ્રેન્ડ્સ સાથે જવું ગમે. મને અલુણામાં બહાર ફરવા નહીં જવું ગમે. પણ મારા ઘરે ફ્રેન્ડ્સને બોલાવુ. મને સ્પાઈસી ફૂડ બહુ ભાવે પણ અલુણામાં મીઠા વગરનું ખાઈ લઉં. ફાસ્ટફૂડની તો આ 5 દિવસમાં બહુ યાદ આવે પણ મનને મનાવી લઉં છું. આ પાંચ દિવસમાં સ્કૂલ તો રેગ્યુલર જાઉં પણ ઘરે અભ્યાસ માં થોડું ઓછું ધ્યાન અપાય કેમ કે ફ્રેન્ડ્સની સાથે રમવામાં વધારે સમય કાઢું છું.
ફેબ્રુઆરીથી જ શોપિંગ શરૂ કરું છું : ધ્વનિ ચોકસી
13 વર્ષની ધ્વનિનું કહેવું છે કે, જાન્યુઆરીમાં નવું વર્ષ શરૂ થતાં જ મારા હાથમાં કેલેન્ડર આવે એટલે હું અલુણા ક્યારે છે તે જોઉં છું. અલુણામાં મને રોજ 5 દિવસ પૂજા કરવા જતી વખતે નવા ડ્રેસીસ પહેરવા જોઈએ. હું ફેબ્રુઆરીથી જ અલુણાની શોપિંગ શરૂ કરી દઉ છું. હું છેલ્લાં 5 વર્ષથી અલુણા કરું છું. હું અલુણામાં મમ્મી સાથે જ શોપિંગ કરવા જાઉં છું. મને અલુણામાં ચણીયા ચોળી પહેરવા વધુ ગમે એટલે હું મમ્મી સાથે ચણીયા-ચોળીની ખરીદી કરવા જાઉં સાથે મેચિંગ જેવેલરી, બેંગલ્સ અને હેરબેન્ડ પણ મેચિંગ જ જોઈએ. મને એક ડ્રેસ પસંદ કરતાં એક-દોઢ કલાક લાગે. મારી શોપિંગ એક દિવસ પૂરતી નહીં હોય. અલુણામાં મને દિવાળી અને નવરાત્રીની જેમ શોપિંગ કરવું ગમે છે. જો મને શોપિંગ કરવા નહીં મળે તો હું ઘરમાં મોઢું ફુલાવીને બેસી જાઉં. હું ખાવાની પણ શોખીન હોવાથી અલુણાના ચાર દિવસ પહેલા હું ચીજથી ભરપૂર નાસ્તા અને ફાસ્ટ ફૂડ ખાઈ લઉં. અલુણામાં ગાર્ડનમાં જવાનું પણ ગમે. મમ્મી-પાપા સાથે ફિલ્મ જોવા જાઉં અને ભણવાનું તો ઓછું જ હોય. ફૂલ મસ્તી અને એન્જોયમેન્ટ જ હોય.