Editorial

અવિશ્વાસનું વાતાવરણ દૂર નહીં થાય ત્યાં સુધી વિશ્વમાં અણુ શસ્ત્રોનો ખડકલો વધતો રહેશે

એમ કહેવાય છે કે માણસે શસ્ત્ર તરીકે સૌપ્રથમ પથ્થરનો ઉપયોગ કર્યો, તેના પછી ધીમે ધીમે તેના શસ્ત્રો વધુ ઘાતક બનતા ગયા. ઝાડની ડાળીની લાકડી, ભાલા, તીરકામઠા એક ક્રમશ: માણસ આગળ વધતો ગયો. દારૂગોળો શોધાયા  બાદ શસ્ત્રોની ઘાતકતા ખૂબ વધી ગઇ. બંદૂકો બની, તોપો બની, બોમ્બ બન્યા અને છેવટે અણુ બોમ્બ અને હાઇડ્રોજન બોમ્બ જેવા અતિ ઘાતક શસ્ત્રો બન્યા. અને માણસ પોતાના ઘાતક શસ્ત્રોનો ઉપયોગ મોટે ભાગે તો બીજા માણસ  સામે જ કરે છે. આજે દુનિયામાં અણુ બોમ્બના આટલા ખડકલા થયા છે તે કંઇ વાઘ, સિંહ, વરૂને મારવા માટે નથી.

તેમને મારવા માટે તો એક બંદૂક જ પુરતી થઇ પડે. આટલા બધા અણુ શસ્ત્રો માણસે પોતે માની લીધેલા પોતાના શત્રુ  એવા બીજા માણસોને મારવા અને બીવડાવવા જ બનાવ્યા છે. દુનિયાને અનેક વખત નષ્ટ કરી શકે તેટલા અણુ શસ્ત્રોનો ખડકલો એટલા માટે થયો છે કે માણસને માણસ પર જ વિશ્વાસ નથી. પરસ્પરના અવિશ્વાસ અને શત્રુતાને કારણે  માણસના શસ્ત્રોની ઘાતકતા વધી ગઇ છે.

શીત યુદ્ધમાં અમેરિકા-રશિયા અને તેમના સાથી દેશોની છાવણીઓ વચ્ચે આવું અવિશ્વાસનું વાતાવરણ હતું ત્યારે બંને દેશો અણે શસ્ત્રોના ખડકલા વધતા ગયા હતા. શીત યુદ્ધનો સમય પુરો  થયા બાદ દુનિયામાં અણુ શસ્ત્રો ઘટવા માંડ્યા હતા પણ હાલમાં એવા ચોંકાવનારા અહેવાલ આવ્યા છે કે વિશ્વમાં ફરીથી અણુ શસ્ત્રો વધવા માંડ્યા છે અને આ અણુ શસ્ત્રો ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા જેવા દેશો વધારી રહ્યા છે.

હાલમાં સ્વીડિશ શસ્ત્ર વોચડોગ સિપ્રીએ જણાવ્યું છે કે આગામી વર્ષોમાં વિશ્વમાં અણુ શસ્ત્રોના જથ્થાઓ વધે તેવી શક્યતા છે અને શીત યુદ્ધ પછી અણુ શસ્ત્રોમાં ઘટાડાનો જે પ્રવાહ જોવા મળ્યો હતો તે પ્રવાહ પલટાઇ રહેલો જણાય છે.  સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ(સિપ્રી) દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ નવ અણુ શસ્ત્ર સજ્જ દેશો તેમના અણુ શસ્ત્ર ભંડાર ક્યાં તો વધારી રહ્યા છે ક્યાં તો તેમને આધુનિક બનાવી રહ્યા છે.

એવા સ્પષ્ટ સંકેતો  છે કે શીત યુદ્ધના અંતથી વૈશ્વિક અણુ શસ્ત્ર ભંડારમાં જે ઘટાડો થતો જોવા મળી રહ્યો હતો તેનો અંત આવી ગયો છે એમ આ સંસ્થાના એક સંશોધકે કહ્યું હતું. અમેરિકા અને રશિયા – કે જેમની પાસે વિશ્વના કુલ અણુ શસ્ત્રોના ૯૦  ટકા શસ્ત્રો છે તેમના આ શસ્ત્ર ભંડારમાં ૨૦૨૧માં ઘટાડો જોવા મળ્યો હતો કારણ કે તેમણે કેટલાક જૂના અણુ શસ્ત્રોને લશ્કરી સેવામાંથી નિવૃત કર્યા હતા.

જો કે તેમનો વાપરવાલાયક અણુ શસ્ત્રોનો જથ્થો પ્રમાણમાં સ્થિર રહ્યો છે અને  અણુ શસ્ત્ર ઘટાડા સંધિ હેઠળ ઠરાવેલ મર્યાદામાં તેમનો આ શસ્ત્ર ભંડાર રહ્યો છે. જો કે આ સંશોધન સંસ્થાએ જણાવ્યું હતું કે અન્ય અણુ રાષ્ટ્રો – બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઇઝરાયેલ અને ઉત્તર કોરિયા નવી શસ્ત્ર  પ્રણાલી ક્યાં તો વિકસાવી રહ્યા છે કે તૈનાત કરી રહ્યા છે અથવા એવું કરવાનો ઇરાદો ધરાવે છે. અણુ શસ્ત્ર સજજ રાષ્ટ્રો તેના અણુ શસ્ત્રો વધારી રહ્યા છે અથવા તો અપગ્રેડ કરી રહ્યા છે અને આ એક ચિંતાજનક પ્રવાહ છે એ મુજબ  સિપ્રીના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું હતું.

ભારત પાસે જાન્યુઆરી ૨૦૨૨માં ૧૬૦ અણુ બોમ્બ હતા અને તે તેનો અણુ શસ્ત્ર ભંડાર વધારી રહેલું જણાય છે એમ સ્ટોકહોમ સ્થિત સંરક્ષણ થિંક ટેન્ક સિપ્રીએ દાવો કર્યો છે. આ જ રીતે પાકિસ્તાન પણ તેનો અણુ શસ્ત્ર ભંડાર  વધારી રહેલું જણાય છે એમ તેણે એક નિવેદનમાં જણાવ્યું છે. ચીન તેના અણુ શસ્ત્ર જથ્થાના નોંધપાત્ર વિસ્તરણની મધ્યમા છે, જેની સેટેલાઇટ તસવીરો સૂચવે છે કે તેણે ૩૦૦ કરતા વધુ નવા મિસાઇલ સિલોસનું બાંધકામ કર્યું છે એમ  સિપ્રીનું નિવેદન જણાવે છે. ચીન પાસે જાન્યુઆરી ૨૦૨૧માં ૩૫૦ અણુબોમ્બ હતા અને જાન્યુઆરી ૨૦૨૨માં પણ લગભગ એટલા જ હતા એમ તેણે જણાવ્યું છે.

જો કે ચીનના કુલ અણુશસ્ત્રોના આંકડા જાન્યુઆરી ૨૧ જેટલા જ રહ્યા છે  ત્યારે ઉપયોગ માટે સંભવિતપણે ઉપલબ્ધ એવા શસ્ત્રોની સંખ્યા વધી હોઇ શકે છે કારણ કે નવા લોન્ચરો ૨૦૨૧માં કાર્યરત થયા છે એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન તેમના અણુ શસ્ત્રો વધારી રહેલા જણાય  છે અને બંને દેશોએ ૨૦૨૧માં નવા પ્રકારની ન્યુક્લિયર ડીલિવરી સિસ્ટમ એટલે કે અણુ બોમ્બ ફેંકવાની સિસ્ટમ વિકસાવવાનું ચાલુ રાખ્યું છે એ મુજબ નિવેદનમાં જણાવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત તેના અણુ શસ્ત્રોના  સત્તાવાર આંકડાઓ જાહેર કરતું નથી, પાકિસ્તાન પણ જાહેર કરતું નથી. પરંતુ બંને દેશો અણુ શસ્ત્રો વધારી રહેલા હોવાનો નિષ્ણાતોનો અંદાજ છે. વિશ્વમાં કુલ નવ દેશો – અમેરિકા, રશિયા, યુકે, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન,  ઇઝરાયેલ અને ઉત્તર કોરિયા અણુ શસ્ત્રો ધરાવે છે અને આમાંથી ભારત, પાકિસ્તાન, ચીન પોતાના અણુ શસ્ત્રો વધારી રહ્યા છે તે આપણે માટે વિશેષ ચિંતાની બાબત છે. આ વિસ્તારમાં ભારે અવિશ્વાસનું વાતાવરણ પ્રવર્તે છે અને  પરસ્પરનો અવિશ્વાસ દૂર થાય તો જ આ અણુ હરિફાઇ રોકાય તેમ છે.

Most Popular

To Top