સાયણ: સાયણ-કીમ રાજ્ય ધોરી માર્ગ ઉપર સાયણ સુગર નજીક મો.સા. ઉપર જતા બે શ્રમજીવી મિત્રોને એક ઓટો (Auto) રિક્ષાના ચાલકે અડફેટે લેતાં જીવલેણ અકસ્માત (Accident) સર્જાયો હતો. જે અકસ્માતમાં મો.સા. પાછળ સવારી કરી રહેલા મિત્રનું ઘટના સ્થળે જ મોત (Death) થયું હતું. જ્યારે રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક પેસેન્જરનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉપરાંત મો.સા. હંકારતા મિત્રને જીવલેણ ઈજા થતાં તે હાલ સુરત ખાતેની હોસ્પિટલના (Hospital) બિછાને જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
- સાયણ સુગર રોડ ઉપર પ્રગતિ રેસિડેન્સીમાં રહેતો રોહિત સંજય રાઠોડ મિત્ર રોહિત રાજુ રાઠોડ સાથે બાઇક ઉપર જઈ રહ્યો હતો
- રિક્ષામાં સવાર મુસાફર અને બાઈક પાછળ બેસેલા એક યુવાને જીવ ગુમાવ્યો, ઈજાગ્રસ્ત બાઇકચાલક સારવાર હેઠળ
પ્રાપ્ત વિગત મુજબ ઓલપાડના સાયણ સુગર રોડ ઉપર અનુપમ રેસિડેન્સીની બાજુમાં આવેલી પ્રગતિ રેસિડેન્સીના મકાન નં.૨૦૪માં નયનાબેન સંજયભાઇ રાઠોડ રહે છે અને મજૂરીકામ કરે છે. તેનો નાનો પુત્ર રોહિત (ઉં.વ.૧૯) સાયણ સુગર રોડ ઉપર રોલ પલટી મારવાનું મજૂરીકામ કરતો હતો. રોહિત ગત ગુરુવાર, તા.૨૦ના રોજ રાત્રે સાયણ સુગર રોડ ઉપર રહેતા તેના મિત્ર રોહિત રાજુ રાઠોડની યુનિકોર્ન મો.સા. નં.(જીજે-૦૫,એફઝેડ-૩૦૯૮) ઉપર સવાર થઈ સાયણ ગામની સીમમાં કારેલી ગામથી સાયણ સુગર તરફ આવી રહ્યો હતો. ત્યારે મો.સા. તેનો મિત્ર રોહિત રાજુ રાઠોડ હંકારી રહ્યો હતો અને તે બાઈક પાછળની સીટ ઉપર બેઠો હતો.
બંને જ્યારે રાત્રે ૯:૩૦ કલાકના અરસામાં ચામુંડા નગર સોસાયટીના ગેટની સામેથી પસાર થતા હતા, ત્યારે રોડ ઉપર સામેથી પૂરઝડપે દોડતી ઓટો રિક્ષા નં.(જીજે-૦૫, સિટી-૪૪૦૨)ના અજાણ્યા ચાલકે રિક્ષા ગફલતભરી રીતે હંકારી મો.સા.ને અડફેટે લીધી હતી. જેથી રોહિતને માથામાં ઇજા થતાં સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે બાઇકચાલક રોહિત રાજુ રાઠોડને પણ શરીરે ગંભીર જીવલેણ ઇજા થઈ હતી. જેથી તેને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સુરતની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. તો ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક અજાણ્યા પેસેન્જરનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મૃતક પુત્રની માતા નયનાબેન રાઠોડે અજાણ્યા ઓટો રિક્ષાના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.