મેલબોર્ન, તા. 21 (એપી) : ઓસ્ટ્રેલિયન ઓપનની ડિફેન્ડીંગ ચેમ્પિયન નાઓમી ઓસાકા અહીં અપસેટનો શિકાર બનીને આઉટ થઇ છે. ઓસાકાને પરાજીત કરનારી અમેરિકાની એમાન્ડા એનિમિસોવાનો ચોથા રાઉન્ડમાં ઉચ્ચ ક્રમાંકિત એશ બાર્ટી સાથે મુકાબલો થશે. પુરૂષ સિંગલ્સમા સ્પેનના રાફેલ નડાલ, જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવ, કેનેડાનો ડેનિસ શાપોવાલોવ, ઇટાલીનો મેટિયો બેરેટિનીએ પોતપોતાની ત્રીજા રાઉન્ડની મેચ જીતીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
ચાર વારની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન અને ગત વર્ષે અહીં ચેમ્પિયન બનેલી ઓસાકાને એનિમિસોવાએ પહેલો સેટ હાર્યો હોવા છતાં જોરદાર વાપસી કરીને અંતે મેચ 4-6, 6-3, 7-6થી જીતી લીધી હતી. મહિલા સિંગલ્સમાં એક અન્ય મેચમાં ટોચની ક્રમાંકિત બાર્ટીએ પોતાનું ફોર્મ જાળવી રાખીને ઇટાલીની કેમિલા જ્યોર્જિયાને સીધા સેટમાં 6-2, 6-3થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આ સિઝનમા તેણે અત્યાર સુધીમાં એકપણ સેટ ગુમાવ્યો નથી. આ ઉપરાંત મહિલા સિંગલ્સમાં બે વારની ચેમ્પિયન વિક્ટોરિયા અઝારેન્કાએ યુવા એલિના સ્વીતોલીનાને 6-0, 6-2થી જ્યારે બારબોરા ક્રેઝિકોવાએ યેલેના ઓસ્ટાપેન્કોને 2-6, 6-4, 6-4થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.
પુરૂષ સિંગલ્સમા નડાલે કારેન ખચાનોવને 6-2, 6-2, 3-6, 6-1થી હરાવ્યો હતો. જ્યારે ઝ્વેરેવે રોનાનિયાના ક્વોલિફાયર રાડુ અલ્બોટને 6-3, 6-4, 6-4થી હરાવ્યો હતો. શાપોવાલોવે રાઇલી ઓપલેન્કાને 7-6, 6-4, 6-3, 6-4થી હરાવ્યો હતો, હવે ચોથા રાઉન્ડમાં ઝ્વેરેવ અને શાપોવાલોવ એકબીજા સાથે બાથ ભીડશે. આ ઉપરાંત બેરેટિનીએ એક સંઘર્ષપૂર્ણ મેચમાં સ્પેના યુવા ખેલાડી કાર્લોસ એલકરાજ ગાર્ફિયાને 6-2, 7-6, 4-6, 2-6, 7-6થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયન ઓપન : ઓસાકા બની અપસેટનો શિકાર
By
Posted on