Sports

T-20 વર્લ્ડકપ: ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી, ભારત માટે બન્યો આ ગજબ સંયોગ

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલાં ટી-20 વર્લ્ડકપ 2024ની પહેલી હેટ્રિક ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર પેટ કમિન્સના નામે થઈ છે. પેટ કમિન્સે બાંગ્લાદેશ સામેની મેચમાં હેટ્રિક નોંધાવી છે.

પેટ કમિન્સે T20 વર્લ્ડ કપ 2024ની મેચમાં ઈતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશ સામે ઓસ્ટ્રેલિયાની મેચમાં તેણે સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ ઝડપી હતી. કમિન્સ T20 વર્લ્ડ કપ 2024માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો છે. એટલું જ નહીં તે T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં હેટ્રિક વિકેટ લેનારો બીજો ઓસ્ટ્રેલિયન અને એકંદરે સાતમો ખેલાડી બન્યો છે.

કમિન્સ પહેલા બ્રેટ લીએ 2007માં આ કારનામું કર્યું હતું. આ સિવાય કર્ટિસ કેમ્ફર (આયર્લેન્ડ), વાનિન્દુ હસરાંગા (શ્રીલંકા), કાગીસો રબાડા (દક્ષિણ આફ્રિકા), કાર્તિક મયપ્પન (યુએઈ) અને જોશુઆ લિટલ (આયર્લેન્ડ) પણ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.

કમિન્સે બાંગ્લાદેશના આ બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા
કમિન્સે 18મી ઓવરના છેલ્લા બે બોલ પર મહમુદુલ્લાહ અને મેહદી હસનને આઉટ કર્યા હતા. તેણે મહમુદુલ્લાહ (2)ને ક્લીન બોલ્ડ અને મેહદી (0)ને ઝમ્પાના હાથે કેચ કરાવ્યો હતો. ત્યાર બાદ કમિન્સે 20મી ઓવરના પ્રથમ બોલ પર તૌહિદ હૃદયોય (40)ને આઉટ કરીને વિશેષ સિદ્ધિ મેળવી હતી.

કમિન્સે ચાર ઓવરના સ્પેલમાં 29 રન આપ્યા અને 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે આઠ ડોટ બોલ ફેંક્યા હતા. કમિન્સે અત્યાર સુધીમાં કુલ 55 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને 63 વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ 15 રનમાં ત્રણ વિકેટ રહી છે અને ઈકોનોમી રેટ 7.36 રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા DLSના નિયમો હેઠળ 28 રનથી જીત્યું
ટી-20 વર્લ્ડકપના સુપર-8 રાઉન્ડમાં આજે તા. 21 જૂન શુક્રવારના રોજ, નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ DLS નિયમો હેઠળ 28 રનથી જીત મેળવી હતી. બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 141 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 11.2 ઓવરમાં બે વિકેટે 100 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરસાદના કારણે આગળની રમત રમાઈ શકી ન હતી. તે સમયે ડીએલએસ પારનો સ્કોર 72 રન હતો એટલે કે કાંગારૂ ટીમે આસાનીથી મેચ જીતી લીધી હતી.

ભારત માટે બન્યો આ ગજબ સંયોગ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ 2007માં T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ હેટ્રિક લીધી હતી. બ્રેટ લીએ બાંગ્લાદેશ સામે જ આ ચમત્કાર કર્યો હતો. બ્રેટ લીએ પણ પોતાના સ્પેલમાં માત્ર 3 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે ભારતે તે વર્લ્ડ કપ જીત્યો હતો. આવી સ્થિતિમાં પેટ કમિન્સે હેટ્રિક લેતા ભારતનો વર્લ્ડ કપ જીતવાનો વિચિત્ર સંયોગ બન્યો છે.

ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું
ભારતે 20 જૂને અફઘાનિસ્તાન સામે સુપર 8ની પોતાની પ્રથમ મેચ રમી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાએ 47 રનથી મેચ જીતી લીધી હતી.

Most Popular

To Top