Sports

ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ મેચમાંથી બહાર, હવે આ ખેલાડી સંભાળશે કમાન

નવી દિલ્હી: ભારત (India) સામેની ત્રીજી ટેસ્ટ (Test) પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને (Australian Team) મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન પેટ કમિન્સ (captain Pat Cummins) 1 માર્ચથી ઈન્દોરમાં રમાનાર ત્રીજી મેચમાંથી બહાર થઈ ગયો છે. કમિન્સ બીજી મેચ પૂરી થયા બાદ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો અને તે આ મેચમાં પરત ફરશે નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે માહિતી આપી છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ઈન્દોરમાં રમાનાર ત્રીજી ટેસ્ટમાં કેપ્ટનશિપની બાગડોર સંભાળશે. ઓસ્ટ્રેલિયન ટીમની સતત બીજી ટેસ્ટ હાર બાદ કમિન્સ ગયા અઠવાડિયે સિડની ગયો હતો. મળતી માહિતી અનુસાર કમિન્સની માતાની તબિયત સારી ન હોવાથી તે હાલ મેચ રમી શકે તેમ નથી.

કેપ્ટન કમિન્સે કહી આ વાત
દિલ્હી ટેસ્ટ ત્રણ દિવસમાં પુરી થયા બાદ નવ દિવસનો વિરામ છે. આવી સ્થિતિમાં એવી આશા હતી કે 29 વર્ષીય કમિન્સ બુધવારથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે ભારત પરત ફરશે, પરંતુ આ શક્ય બની શકે તેમ નથી. અમદાવાદમાં ચોથી ટેસ્ટ માટે કમિન્સ આવશે કે નહીં તે જોવાનું રહેશે. કમિન્સે કહ્યું, ‘મેં આ સમયે ભારત પરત નહીં ફરવાનો નિર્ણય કર્યો છે. મને લાગે છે કે હું મારા પરિવાર સાથે અહીં ઘણો સારો છું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને સાથીઓ તરફથી મળેલા સમર્થન બદલ હું આભાર વ્યક્ત કરું છું.

સ્ટીવ સ્મિથ બીજી ટેસ્ટ પૂરી થયા બાદ પત્ની સાથે થોડા દિવસની ટ્રીપ માટે દુબઈ ગયો હતો. તેને ત્યાં આગામી ટેસ્ટ માટે કમિન્સના બહાર થવાના નિર્ણય વિશે માહિતી મળી હતી. 2021માં વાઈસ-કેપ્ટન્સીની જવાબદારી સંભાળ્યા બાદ સ્મિથે એડિલેડમાં રમાયેલી બે ટેસ્ટ મેચોમાં ટીમનું સુકાન સંભાળ્યું છે.

સ્મિથે છેલ્લા પ્રવાસમાં કેપ્ટનશીપ કરી હતી
સ્મિથ 2014 અને 2018 ની વચ્ચે 34 ટેસ્ટ મેચોમાં ટીમનો કેપ્ટન હતો. જેમાં 2017માં ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ પણ સામેલ હતો. તે પ્રવાસમાં સ્મિથે ત્રણ સદી ફટકારી હતી. જોકે, આ વખતે આ જમણા હાથના ખેલાડી માટે શ્રેણી નિરાશાજનક રહી છે અને તેણે અત્યાર સુધી ચાર ઇનિંગ્સમાં 23.66ની એવરેજથી 71 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ 2023 (બાકીની મેચો)
• ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ (ઇન્દોર)
• ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ (અમદાવાદ)
• પ્રથમ ODI – 17 માર્ચ (મુંબઈ)
• બીજી ODI – માર્ચ 19 (વિશાખાપટ્ટનમ)
• ત્રીજી ODI – 22 માર્ચ (ચેન્નઈ)

Most Popular

To Top