મેલબોર્ન, તા. 08 : કોરોના કાળમાં આજથી શરૂ થયેલી વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનના પહેલા દિવસે મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર વન નોવાક જોકોવિચ, ત્રીજો ક્રમાંકિત ડોમિનિક થિમ, છઠ્ઠો ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝ્વેરેવ સ્ટાન વાવરિંકા જ્યારે મહિલા સિંગલ્સમાં ત્રીજી ક્રમાંકિત સિમોના હાલેપ, 10મી ક્રમાંકિત સેરેના વિલિયમ્સ અને તેની બહેન વિનસ વિલિયમ્સ પોતપોતાની પહેલા રાઉન્ડની મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશી ગયા છે, જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપનનો ચાર વારનો ક્વાર્ટર ફાઇનાલિસ્ટ કેઇ નિશિકોરી પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ ગયો છે.
જોકોવિચે ફ્રાન્સના જેરેમી ચાર્ડી સામે માત્ર 91 મિનીટમાં સીધા સેટમાં 6-3, 6-1, 6-2થી જીત મેળવી હતી. જ્યારે ગત વર્ષના ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઇનાલિસ્ટ ઓસ્ટ્રિયાના ડોમિનિક થિમે 2 કલાક 42 મિનીટ સુધી ચાલેલી મેચમાં કઝાકિસ્તાનના મિખાઇલ કુકુસ્કિનને 7-6, 6-2, 6-3થી હરાવ્યો હતો. અન્ય મેચમાં ઝ્વેરેવે અમેરિકાના માર્કસ ગિરોનને 6-7, 7-6, 6-3, 6-2થી જ્યારે સ્ટાન વાવરિંકાએ પોર્ટુગલના પેડ્રો સોઉસાને 6-3, 6-2, 6-4થી હરાવ્યો હતો. નિશિકોરીને સ્પેનના પાબ્લો કેરેનો બુસ્ટાએ 7-5, 7-6, 6-2થી હરાવ્યો હતો.
મહિલા સિંગલ્સમાં હાલેપે વાઇલ્ડ કાર્ડ ધારક ઓસ્ટ્રેલિયાની લિજેટ કાબ્રેરા 6-2, 6-1થી હરાવી હતી, જ્યારે સેરેનાએ જર્મનીની લૌરા સિગ્મન્ડને 6-1, 6-1થી હરાવી હતી. વિનસે બેલ્જિયમની ક્રિસ્ટન ફ્લિપકેન્સને 7-5, 6-2થી હરાવી હતી. આ સિવાય 2016ની ચેમ્પિયન જર્મનીની એન્જેલિક કર્બરને અમેરિકાની બર્નાડ્રા પેરાએ 6-0, 6-4થી હરાવી હતી.
ઓસ્ટ્રેલિયન ઓપન : સેરેના, જોકોવિચ, થિમ, હાલેપની સરળ જીત, નિશિકોરી, કર્બર હારીને આઉટ
By
Posted on