બર્લિન અને મ્યુનિકમાં કોરોના રસીનો ડોઝ મેળવનારા લોકોમાં લોહીને ગંઠાવાના નવા અહેવાલોને કારણે 60 વર્ષથી ઓછી વસ્તીના લોકો માટે એસ્ટ્રાઝેનેકાની કોરોના વાયરસ રસીનો ઉપયોગ પર ફરી રોક લગાવી દીધી છે. એમ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું. બીજી બાજુ કેનેડાએ પણ પંચાવન વર્ષથી ઓછી વયના નાગરિકોને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી મૂકવા પર પ્રતિબંધ મૂ્કયો છે.
બર્લિનના ઉચ્ચ આરોગ્ય અધિકારી દિલેક કાલેસીએ જણાવ્યું હતું કે, જર્મનીના 16 રાજ્યોના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રીય તબીબી નિયમનકારોની સલાહ બાદ મંગળવારે મળેલી બેઠક અગાઉ સાવચેતી તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
દેશના તબીબી નિયમનકારે જાહેરાત કરી હતી કે, તાજેતરમાં એસ્ટ્રાઝેનેકા રસીના કારણે લોહી ગંઠાવાના કુલ 31 અહેવાલો પ્રાપ્ત થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પૌલ એહરલિચ સંસ્થાએ જણાવ્યું કે, નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને આ સિવાયના બે કિસ્સાઓમાં 20થી 63 વર્ષની વયની મહિલાઓ સામેલ હતી. જર્મનીમાં એસ્ટ્રાઝેનેકા રસીના લગભગ 2.7 મિલિયન ડોઝ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત, કેનેડાએ સોમવારે 55 વર્ષથી ઓછી વયના લોકો માટે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા કોરોના વાયરસ રસીથી લોહી ગંઠાઈ જવાની ચિંતાના પગલે રસીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે.
રસીકરણ અંગેની રાષ્ટ્રીય સલાહકાર સમિતિએ સલામતીના કારણોસર રસીના ઉપયોગને સ્થગિત કરવાની ભલામણ કરી હતી.રસીકરણ અંગેની રાષ્ટ્રીય સલાહકાર સમિતિના વાઇસ ચેરમેન ડો. શેલી ડીક્સે જણાવ્યું હતું કે, સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને 55 વર્ષથી ઓછી વયના લોકો માટે એસ્ટ્રાઝેનેકા રસીના ફાયદા અંગે નોંધપાત્ર અનિશ્ચિતતા છે.