Charchapatra

ઔરંગઝેબ અને પરશીઅન ભાષા

 ‘ગુજરાતમિત્ર’ તા. 23-05-2022 ના એક સમાચાર હતા કે નવસારી પાસે આવેલા ગણેશ સિસોદ્રા ગામમાં આવેલ ગણેશ મંદિરને ઔરંગઝેબે નિભાવ માટે 20 વીંઘા જમીન આપી હતી, જેનો દસ્તાવેજ પરશીઅન ભાષામાં હજી પણ ગણેશ મંદિરના પૂજારીઓ પાસે છે. એમ કહેવાય છે કે ઔરંગઝેબનો રસાલો ત્યાંથી પસાર થતો હતો અને પાણીની જરૂર પડી તો ત્યાંના મંદિરના કૂવામાંથી મંદિરના પુજારીની મંજૂરી લઈને પાણી મેળવ્યું હતું એ બદલ એમને મંદિરના નિભાવ માટે ત્યારના સૂપા પરાગણોમાંથી 20 વીંઘા જમીન અર્પણ કરી હતી. બિહારના માજી ગવર્નર શ્રી વિશ્વંભરનાથ પાંડે એક વિદ્ધાન હતા અને પરશીઅન ભાષાના જાણકાર હતા.

એમણે ઔરંગઝેબ વિશે અધ્યયન કરીને એમના એક પુસ્તકમાં ઔરંગઝેબે પૂર્વથી લઈને પશ્ચિમ સુધી અનેક મંદિરોને, પાલીતાણા જૈન મંદિર તેમ જ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની અખંડ જ્યોત માટે પણ જમીન અર્પણ કરી હતી. એના દસ્તાવેજો પરશીઅન ભાષામાં ઉપલબ્ધ છે. મુગલોના શાસનકાળમાં પરશીઅન (ફારસી) ભાષા રાજભાષા હતી અને દસ્તાવેજો પરશીઅનમાં લખાતા હતા. પરશીઅન ભાષા એક સમયે આપણા દેશમાં વર્ષ 1970 સુધી વિવિધ શાળાઓમાં સંસ્કૃત, પરશીઅન, ફેન્ચ અને જરમનભાષા સેકન્ડ લેંગ્વેજ તરીકે એ સમયની એસ.એસ.સી.માં પણ હતી. નવસારી શહેર પરશીઅન ભાષાનું ગુજરાત રાજ્યમાં હબ ગણાતું હતું.

1960 થી 70 ના દાયકામાં નવસારીની વિવિધ શાળાઓ જેવી કે, મદ્રેસા હાઈસ્કૂલ, ડી.ડી. ગર્લ્સ, ટાટા હાઈસ્કૂલ, વિદ્યાકુંજ, બનાતવાલા હાઈસ્કૂલ વગેરેમાં તેમ જ ગાર્ડા કોલેજમાં પણ પરશીઅન ભાષાનું શિક્ષણ અપાતું હતું. ત્યારે ઘણાં પારસી તેમ જ મુસ્લિમ વિદ્યાર્થીઓ સેકંડ લેંગ્વેજ તરીકે પરશીઅન ભાષામાં અભ્યાસ કરતાં હતાં. ગણેશ સિસોદરા મંદિરનો પરશીઅન ભાષામાં લખાયેલ દસ્તાવેજનો અનુવાદ ગાર્ડા કોલેજના માજી પ્રોફેસર અને માજી વાઈસ પ્રિન્સીપાલ સ્વ. એમ. એફ. કુરેશીએ કર્યો હતો કે જેઓ આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે પરશીઅન ભાષાના સ્કોલર ગણાતા હતા. એમણે અનેક પુસ્તકોનું અંગ્રેજીમાંથી ભાષાંતર પરશીઅન ભાષામાં કર્યું હતું અને પુસ્તકો ઈજીપ્ત યુનિવર્સિટીમાં ટેક્સ્ટ બુક તરીકે પ્રસ્થાપિત થયાં હતાં.

નવસારીમાં એ સમયે પરશીઅનના જાણકાર સ્કોલરોમાં, શેખસર, ‘રાઝ’ નવસારવી સર, મુગલસર વગેરેનાં નામો બોલાતાં હતાં. આજે નવસારી જ નહીં, કદાચ ગુજરાત રાજ્યમાં એક પણ સ્કોલર નથી. મુંબઈની મૌલાના આઝાદ કોલેજ તેમ જ માલેગાંવ લેડીઝ કોલેજના માજી પ્રિન્સીપાલ પ્રો. નસીમ એ. ખાન પરશીઅનના ખૂબ જાણીતા નેશનલ લેવલ સ્કોલર છે, જે પોતાનું નિવૃત્તિમય જીવન સુરતમાં વિતાવે છે. ગાર્ડા કોલેજના ટ્રસ્ટી શ્રી દારા દેબુએ પરશીઅન ભાષાને ઉત્તેજન આપવાના પ્રયત્નો કર્યા હતા પણ પરશીઅન ભાષાના સ્કોલરના અભાવે સફળ થઈ શક્યા નહીં. ભારતમાંથી ધીરે ધીરે પરશીઅન ભાષા લુપ્ત થઈ રહી છે.
નવસારી – નાદીરખાન      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top